રાંચી: ઘાસચારા કૌભાંડના દોષી લાલુપ્રસાદ યાદવને હાઈકોર્ટ તરફથી ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. ચાઇબાસા(ઘાસચારા) ટ્રેઝરી મામલે ગેરકાયદેસર ઉપાડ કરવાના કેસમાં તેમને હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઈકોર્ટના જજ અપરેશકુમાર સિંહની કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી.
લાલુપ્રસાદ યાદવની જેલની સજાને ધ્યાનમાં રાખીને કોર્ટે માન્યુ કે તેણે તેની સજામાંથી અડધી સજા ભોગવી લીધી છે. જેના આધારે, જામીનની સુવિધા આપવામાં આવે છે. હાલ તેમને દુમકા કેસ મામલે પણ જેલમાં રહેવું પડશે, આ કેસના જામીન મળ્યા નથી. કોર્ટે તેને જામીન માટે બે લાખ રૂપિયા જમા કરવા જણાવ્યું છે.
સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદના એડવોકેટે કહ્યું હતુ કે લાલુ પ્રસાદને ચાયબાસા ભંડોળમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં 5 વર્ષની સજા આપવામાં આવી છે. આ સજાના અડધા ભાગ તેણે જેલમાં વિતાવ્યા છે. અને તબિયત પણ સારી નથી. તેથી તેમને જામીન મળવા જોઈએ.
કોર્ટે તેમની વિનંતી સ્વીકારી છે અને જામીનની સુવિધા આપી છે. આ સમયે સીબીઆઈ દ્વારા જામીનનો વિરોધ કરવામાં આવ્યો હતો. દુમકા ભંડોળમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં તેમને સીબીઆઈ કોર્ટમાં 7 વર્ષની સજા ફટકારી છે. તે કેસમાં કોઈ જામીન મળ્યા નથી. તેથી લાલુ યાદવને હાલના સમય માટે જેલમાં રહેવું પડશે.
લાલુ યાદવને ચાઇબાસા ટ્રેઝરી કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. ચાયબાસા તિજોરીમાં, 1992-93માં 67 નકલી ફાળવણી પત્રોના આધારે રૂ. 33.67 કરોડની ગેરકાયદે પૈસાનો ઉપાડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 1996 માં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 736 આરોપીઓ હતા, જેમાં મુખ્યત્વે લાલુપ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાના નામ શામેલ છે.