નવી દિલ્હીઃ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ચીન સાથે લાગતી સીમાઓ પર અતિરિક્ત સતર્કતા વર્તાવવામાં આવી રહી છે. આ કડીમાં તણાવને લઇને હિમાચલ પ્રદેશને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
હિમાચલ પોલીસે કહ્યું કે, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ચીનની સીમા પર છે. એલર્ટના કારણને લઇને પોલીસે કહ્યું કે, સ્થાનિક આબાદીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યના કાર્યવાહીની યોજના બનાવવા માટે આમ કરવામાં આવ્યું છે.
ચીનની સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવાનો ઇરાદો જાસુસી માહિતી એકત્ર કરવાનો પણ છે. હિમાચલ પોલીસના અધિકારી ખુશાલ શર્માએ કહ્યું કે, આ સંબંધે બધા જ રાજ્ય જાસુસી એકમોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષક ખુશાલ શર્માએ વધુમાં કહ્યું કે, 'લદ્દાખ સેક્ટરમાં ચીન અને ભારતીય સેનાના પીએલએની વચ્ચે હાલ ફેસ-ઓફને જોતા, કિન્નૌર અને લાહુલ-સ્પીતિ જિલ્લાને એલર્ટ અને એક સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક આબાદીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ બધા જ પાયાના પગલાઓ લેવામાં આવી શકશે, જેને ઇરાદે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જાસુસી માહિતી પણ એકઠી કરવામાં આવશે જેથી કાર્યવાહીના ભવિષ્યની યોજના બનાવી શકાય.'
શું છે સમગ્ર મામલો
પૂર્વી લદ્દાખમાં સોમવારે રાત્રે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અને ભારતીય સેના વચ્ચે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. સેનાએ મંગળવારે આ જાણકારી આપી હતી. સૂત્રોએ કહ્યું કે, શહીદોની સંખ્યામાં વધારો થઇ શકે છે, કારણ કે, કેટલાય જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ભારતીય સેનાએ મંગળવારે રાત્રે આપેલા નિવેદનમાં કહ્યું કે, 'સંઘર્ષવાળી જગ્યા પર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા અને શૂન્યથી નીચેના તાપમાનને લીધે 17 ઇજાગ્રસ્ત જવાન શહીદ થયા હતા, જેથી અત્યાર સુધીમાં સંઘર્ષમાં શહીદ થનારા કુલ જવાનોની સંખ્યા 20 થઇ છે.'
સેનાએ કહ્યું કે, ભારતીય અને ચીન સેના વચ્ચે તે જગ્યાએ ઝડપ થઇ જ્યાં બંને સેના 15 અને 16 જૂને આમને-સામને આવી હતી.
આ ઝડપની જગ્યા પર ચીની સેનાએ ભારતીય સેનાની નાની ટૂકડી પર હુમલો કર્યો, જે તે સમયે પેટ્રોલિંગ પર હતા. જેમાં કમાન્ડિંગ ઓફિસરની સાથે કેટલાય જવાન શહીદ થયા અને કેટલાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.