આ યોજના આપણા દેશના આંતરિક સ્થળાંતરને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, કેમકે લોકો વધુ સારા રોજગારની તકો શોધવા અને વધુ ઊંચા જીવનધોરણ માટે વિવિધ રાજ્યોમાં સ્થળાંતર કરતા રહે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, 4.1 કરોડ લોકોએ આંતરરાજ્ય સ્થળાંતર કર્યું હતું અને 1.4 કરોડ લોકોએ રોજગાર માટે રાજ્યની અંદર અથવા અન્ય રાજ્યમાં સ્થળાંતર કર્યું હતું.
કોવિડ-19ના રાહત પેકેજ હેઠ નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે આગામી બે મહિના માટે રૂા. 3500 કરોડના ખર્ચે અંદાજે 8 કરોડ પરપ્રાંતિય શ્રમિકોને વિના મૂલ્યે અનાજ અપાશે. તેમણે જણાવ્યું કે 8 કરોડ પરપ્રાંતિય શ્રમિકો, જેમની પાસે કેન્દ્ર સરકારનું કે રાજ્ય સરકારનું પીડીએસ કાર્ડ નથી, તેમને બે મહિના માટે પ્રતિ વ્યક્તિ પાંચ કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ ચણા આપવામાં આવશે.
નાણાં મંત્રીએ કહ્યું કે પરપ્રાંતવાસીઓ કોઈ પણ રાજ્યમાં તેમનું રૅશન કાર્ડ વાપરી શકે તે સુનિશ્ચિત કરવા માટે પીડીએસ રૅશન કાર્ડ પોર્ટેબલ બનાવવામાં આવશે, જેનાથી 67 કરોડ લાભાર્થીઓ એટલે કે 23 રાજ્યોમાં પીડીએસના કુલ લાભાર્થીઓમાંથી 83 ટકા લોકોને ઑગસ્ટ મહિના સુધી લાભ મળશે. તેમણે ઉમેર્યું કે “માર્ચ, 2021 સુધીમાં સમગ્ર દેશને ‘વન નેશન વન રૅશન કાર્ડ’ - એક રાષ્ટ્ર, એક રૅશન કાર્ડ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.”
અત્યાર સુધીમાં આ યોજના હેઠળ રાષ્ટ્રીય / આંતરરાજ્ય પોર્ટેબિલિટીની સવલત 12 રાજ્યોમાં ઉપલબ્ધ છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરા સામેલ છે. ઉપરાંત, બાકીનાં રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોનું સંકલન તે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોની યોજનાના અમલની સજ્જતા ઉપર આધારિત છે. (11.02.2020)
અત્યાર સુધીમાં, 31 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોએ રૅશન કાર્ડ હોલ્ડર્સની નેશનલ પોર્ટેબિલિટી સહિતની આઈએમ-પીડીએસ યોજનાના અમલ માટે ડિપાર્ટમેન્ટ સાથે મેમોરૅન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જ્યારે બાકીનાં રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવા માટે ડિપાર્ટમેન્ટ પ્રયાસો કરી રહ્યો છે. (17.03.2020)
ઓએનઓઆરસીના લાભ
• યોજના રાષ્ટ્રીય સ્તરે અમલમાં મુકાયા બાદ કોઈ પણ પીડીએસ લાભાર્થી તેનું રૅશન કાર્ડ દેશભરની કોઈ પણ વાજબી ભાવની દુકાને વાપરી શકશે.
• ઓએનઓઆરસી (વન નેશન વન રૅશન કાર્ડ) પરપ્રાંતિય શ્રમિકોને દેશભરમાં કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી જાહેર વિતરણ યોજનાનું અનાજ ઉપલબ્ધ કરાવશે.
• લાભાર્થીને ડીલરની પસંદગીની તક મળે છે. જો કોઈ ડીલર ગેરવર્તન કરતો હોય અથવા માપતોલમાં ગેરરીતિ કરતો હોય તો લાભાર્થી તરત જ વાજબી ભાવની અન્ય દુકાન પસંદ કરી શકે છે.
• ઓએનઓઆરસી, ખાસ કરીને મહિલાઓ અને અન્ય વંચિત જૂથોને લાભદાયક છે, કેમકે સામાજિક ઓળખ (જાતિ, વર્ગ અને લિંગ) તેમજ અન્ય સંદર્ભિત પરિબળો (સત્તાધિકારીઓ સાથેનાં સંબંધો સહિત) જાહેર વિસતરણ માળખાની પહોંચ માટે મજબૂત પૃષ્ઠભૂમિ ધરાવે છે. (દાખલા તરીકે, લગ્ન પછી મહિલાએ તેના માતા-પિતાને ઈસ્યુ કરાયેલા રૅશન કાર્ડમાંથી પોતાનું નામ કઢાવી નાંખવું પડે છે અને તેના પતિના પરિવારને ઈસ્યુ કરાયેલા રૅશન કાર્ડમાં પોતાનું નામ ઉમેરાવવું પડે છે.)
• સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) 2 હેઠળનાં લક્ષ્યાંકોને હાંસલ ક રવામાં વન નેશન વન રૅશન કાર્ડ યોજના મદદગાર નીવડશે. એસડીજી 2 હેઠળ વર્ષ 2030 સુધીમાં ભૂખમરાનો અંત લાવવાનું ધ્યેય છે. ઉપરાંત, તેનાથી ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં રજૂ કરાયેલું ભારતમાં ભૂખમરાનું કરુણાજનક ચિત્ર સુધારવામાં પણ મદદ થશે. આ ઈન્ડેક્સમાં 117 દેશોમાં ભારત 102મું સ્થાન ધરાવે છે..
યોજનાના અમલ સાથે સંકળાયેલા પડકારો
• આ પીડીએસ પ્રક્રિયાના આધાર સાથે જોડાયેલા રૅશન કાર્ડસ અને સ્માર્ટ કાર્ડસ દ્વારા ડિજિટલાઈઝેશનને કારણે ઉચાપત ઘટવાના પ્રયાસોને પ્રોત્સાહન મળે છે. જોકે, આધાર સાથે જોડાણમાં રૅશન કાર્ડમાંથી બાકાત થઈ જવાની ભૂલો સર્જાઈ છે.
• સમાજના ઘણા વર્ગો પાસે હજુ આધાર કાર્ડ નથી, આ લોકો ખાદ્ય સુરક્ષાથી વંચિત રહી જાય છે.
• બાંધકામમાં કાર્યરત શ્રમિકો તેમજ ઘરકામ કરનારાઓના ફિંગરપ્રિન્ટ્સ બદલાઈ જાય અથવા ઝાંખા થઈ જાય તેવી સંભાવના રહે છે અને આધાર કાર્ડમાં રજૂ કરાયેલા ફિંગરપ્રિન્ટ સાથે મેળ ન ખાય તેવું બની શકે છે.
• લોજિસ્ટિકને લગતી સમસ્યાઓ: વાજબી ભાવની દુકાનને તેને સોંપાયેલા લોકોની સંખ્યાના આધારે જ પ્રોડક્ટ્સનો માસિક જથ્થો મળે છે. વન નેશન વન રૅશન કાર્ડ યોજના જ્યારે સંપૂર્ણપણે કાર્યાન્વિત બની જશે, ત્યારે આ ઘરેડ તૂટશે, કેમકે લોકોના સ્થળાંતરને કારણે કેટલીક વાજબી ભાવની દુકાનો વધુ સંખ્યામાં કાર્ડ ધારકોને પુરવઠો વહેંચતી હશે, જ્યારે કેટલીક દુકાનેથી ઓછા લોકો પુરવઠો મેળવતા હશે.
• અપર્યાપ્ત માહિતી: ગરીબ પરિવારો કામકાજ માટે એક સ્થળેથી બીજા સ્થળે જાય, તે માટે તેમના રાજ્યની અંદર કે અન્ય રાજ્યમાં અવરજવર તેમજ કામદારોને રોજગાર આપતાં ક્ષેત્રો બાબતે કોઈ ચોક્કસ માહિતી કે ડેટા ઉપલબ્ધ નથી.
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7218159_r.jpg)