બારામતીની વિધાનસભા સીટ પર અજિત પવારે 7 વાર જીત મેળવી છે, જ્યારે NCP અધ્યક્ષ અને તેમના કાકા શરદ પવાર પણ આ સીટ પર 6 વાર જીત મેળવી ચુક્યા છે. આ સીટ પર પવારનો દબદબો રહ્યો છે. છેલ્લા 52 વર્ષથી આ સીટ પર 6 વાર કોંગ્રેસ તરફથી 1967થી 1990 સુધી શરદ પવારે અને 2 વાર અજિત પવારે જીત મેળવી હતી. જે બાદ શરદ પવાર કોંગ્રેસથી અલગ થઈ NCP બનાવી. તે પછી પણ 5 વાર અજિત પવારે NCP માંથી જીત મેળવી છે. શિવસેના કે ભાજપમાંથી કોઈપણ આ સીટ પર જીતી શક્યું નથી. આ 7મી વખત તેમણે આ સીટ પરથી જીત મેળવી છે. ચૂંટણીમાં તેમણે 1 લાખ 65 હજાર કરતા વધુ મતની લીડથી આ સીટ પર જીત મેળવી છે.
અજિત પવારના પરિવાર વિશે...
અજિત પવાર શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે. તેમનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ થયો હતો. અનંતરાવ શરૂઆતમાં મુંબઇના પ્રખ્ચાત ફિલ્મ નિર્માતા વી શાંતારામના "રાજકમલ સ્ટુડિયો"માં કામ કરતા હતા. અજિત પવારના દાદા ગોવિંદરાવ પવાર બારામતી સહકારી મંડળીમાં નોકરી કરતા હતા અને તેમની દાદી ખેતીની દેખરેખ કરતા હતા. પવાર તેમનો કોલેજ કાળનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના પિતાનું અકાળે આવસાન થયું હતું. જે કારણે તેમને શિક્ષણ છોડી તેમના પરિવારની સાર-સંભાળ કરવાની જવાબદારી સ્વીકારી હતી. તેઓએ માત્ર માધ્યમિક કક્ષા(SSC) સુધીનું શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. અજિત પવારે મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન પદ્મસિંહ પાટિલની બહેન સુનેત્રા સાથે લગ્ન કર્યા છે. તેમને પાર્થ પવાર અને જય પવાર નામના બે પુત્રો છે.
અજિત પવારની રાજકિય કારકિર્દી
અજિત પવાર જ્યારે દેવલાલી પ્રવારા ખાતે તેમનું પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે તેમના કાકા શરદ પવાર કોંગ્રેસ પક્ષમાં ઉભરતા રાજકીય નેતા હતા. અજિત તેના વધુ શિક્ષણ માટે બોમ્બે ચાલ્યા ગયા. 1982માં જ્યારે તેઓ સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા, ત્યારે પવારે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 1991માં પૂણે ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક(DSP)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને 16 વર્ષ સુધી આ પદ પર રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ બારામતીથી લોકસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. બાદમાં તેમણે તેમની લોકસભાની બેઠક તેમના કાકા શરદ પવારની તરફેણમાં ખાલી કરી આપી હતી, જે તે પછી શરદ પવાર પીવી નરસિંહરાવની સરકારમાં સંરક્ષણ પ્રધાન બન્યા હતા. ત્યાર બાદ તેઓ બારામતીથી મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
પવાર 1995, 1999, 2004, 2009, અને 2014માં બારામતી મત વિસ્તારમાં ફરીથી ચૂંટાયા હતા. તેમણે સુધાકરરાવ નાઈકની સરકારમાં કૃષિ અને શક્તિ રાજ્યમંત્રી (જૂન 1991-નવેમ્બર 1992) બન્યા હતા. બાદમાં શરદ પવાર રાજ્યના મુખ્ય પ્રધાન પદે પરત ફર્યા ત્યારે તેઓ સોઇલ કન્સર્વેશન, પાવર એન્ડ પ્લાનિંગ રાજ્ય મંત્રી(નવેમ્બર 1992 - ફેબ્રુઆરી 1993) બન્યા. 1999માં જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ-NCP ગઠબંધન સત્તામાં આવ્યું ત્યારે પવારને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા, વિલાસરાવ દેશમુખની સરકારમાં તેમણે સિંચાઈ વિભાગનાં(ઑક્ટોબર 1999 - ડિસેમ્બર 2003) સંભાળ્યો હતો.
સુશીલકુમાર શિંદેની સરકારમાં તેમને ગ્રામીણ વિકાસ વિભાગ (ડિસેમ્બર 2003 - ઓક્ટોબર 2004)નો વધારાનો હવાલો સોંપાયો હતો. જ્યારે 2004માં કોંગ્રેસ-NCPનું ગઠબંધન સત્તામાં પાછું આવ્યું ત્યારે તેમણે દેશમુખની સરકારમાં અને પછીથી અશોક ચૌહાણની સરકારમાં જળ સંસાધન મંત્રાલય ખાતું સંભાળ્યું હતું. તેઓ 2004માં પૂણે જિલ્લાના વાલી પ્રધાન પણ બન્યા હતા. 2014 - કોંગ્રેસ અને NCP ગઠબંધનની સત્તાના અંત સુધી આ પ્રધાન પદે રહ્યા.
અજિત પવાર સાથે જોડાયેલા વિવાદો
2007માં મહારાષ્ટ્ર રાજ્ય કો-ઓપરેટીવ બેન્ક સ્કેમમાં પણ અજિત પવારનું નામ જોડાયેલું છે. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડ મામલે એનસીપીના નેતા પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા પર મની લોન્ડ્રીંગ મામલે ફરિયાદ નોંધાઈ છે. રાજ્યના સરકારી ખજાનાને કથિત રીતે 1 જાન્યુઆરી 2007 અને 31 ડિસેમ્બર 2017ની વચ્ચે MSCB કૌભાંડના કારણે 25,000 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.
2013માં અજિત પવારે વિવાદિત નિવેદન આપ્યું હતું કે, ડેમમાં પાણી નથી તો શું પેશાબ કરીને ડેમ ભરીએ. ત્યારબાદ તેમને પોતાની ભુલ માની માફી પણ માંગી હતી. આ નિવેદન તેમણે પુણેના એક કાર્યક્રમમાં આપ્યું હતું.
2014ની ચૂંટણીમાં પણ તેમના પર મતદારોને ધમકાવવાનો આરોપ છે. તેમણે ગામ લોકોને કહ્યું કે, જો સુપ્રિયા સુલેને મત નહી આપો તો ગામનું પાણી બંધ કરી દેવામાં આવશે.