કોચીઃ કેરલમાં કોરોના વાઇરસની અસરને કારણે મોતનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેરલ રાજ્ય સરકારે શનિવારે જણાવ્યું કે, કોચીની એક હોસ્પિટલમાં દાખલ 69 વર્ષીય કોરોના દર્દીનું મોત થયું છે. આ સાથે જ દેશમાં કોરોના વાઇરસના કારણે મારનારા લોકોની સંખ્યા 19 થઇ છે. કેરલમાં કુલ કોરોના વાઇરસ અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 176 થઇ છે અને આ સાથે જ સૌથી વધુ અસરગ્રસ્ત દર્દીની સંખ્યામાં કેરલ બીજા નંબરે છે.
દેશમાં કોરોના અસરગ્રસ્તનો પ્રથમ કેસ કેરલમાંથી સામે આવ્યો હતો અને અહીંયા અત્યારસુધી આ અસરથી કોઈના મોતના સમાચાર નહોતા આવ્યા. આ ઉપરાંત કેરલમાં 11 કોરોના અસરગ્રસ્ત દર્દી રિકવર થઇને પોતાના ઘરે પણ ચાલ્યા ગયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે 9 વાગ્યે જાહેર કરેલા પોતાના તાજા આંકડામાં 2 લોકોનાં મોત અંગે માહિતી આપી છે. આ સાથે જ દેશમાં અત્યારસુધી મહારાષ્ટ્રમાં 5, ગુજરાતમાં 3, કર્ણાટકમાં 2, મધ્ય પ્રદેશમાં 2, તામિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાાં 1-1 લોકોનાં મોત થયાં છે.