તિરુવનંતપુરમ : કેરળ સરકારે રાજ્યમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓની ફરીયાદ કરવા માટે એક વોટ્સએપ નંબર શરૂ કર્યો છે. કોરોના વાઈરસના કારણે લોકડાઉન દરમિયાન આ પ્રકારના બનાવો વધી રહ્યા છે.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજને કહ્યું કે, 9400080292 નંબર પર ફરિયાદ કરી શકાય છે, જે 24 કલાક ઉપલબ્ધ રહેશે.
મુખ્ય પ્રધાન વિજયને ફેસબુક પોસ્ટ કરી હતી કે, "લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસામાં વધારો થવાના અહેવાલોના પગલે, સામાજિક ન્યાય વિભાગને તાકીદ કરવામાં આવી છે કે તેઓને રોકવા તાત્કાલિક પગલા લેવામાં આવે. ત્યારબાદ મહિલાઓ અને બાળકોને ફરિયાદ કરવાનું સરળ બનાવવા માટે એક વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે,"
રાષ્ટ્રીય સેવા યોજનાના તકનીકી સેલની મદદથી મહિલા અને બાળ વિકાસ નિર્દેશાલય દ્વારા 24 કલાકની હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
આ તકે વિજયને જણાવ્યું હતું કે, આ જ રીતે, ચાઇલ્ડલાઈન નંબર 1098 અને મહિલા હેલ્પલાઈન મિત્રાનો નંબર 181 પર ફરિયાદ થઈ શકે છે અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નેશનલ કમિશન ફોર વુમન (એનસીડબ્લ્યુ)ને છેલ્લા 18 દિવસમાં ઘરેલુ હિંસાની 123 ફરિયાદો મળી છે. વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસા વધી રહી છે.
એનસીડબ્લ્યુ દ્વારા શુક્રવારે જાહેર કરેલા આંકડા અનુસાર 23 માર્ચથી 10 એપ્રિલ સુધી મહિલાઓની સમસ્યાઓ સંબંધિત કુલ 370 ફરિયાદો પેનલને મળી હતી. 370 ફરિયાદોમાંથી સૌથી વધુ 123 ઘરેલું હિંસાની હતી.