તિરુવનંતપુરમ: કેરળ સરકારે રાજ્યમાં મહામારી રોગ(સુધારા) વટહુકમનો અમલ કર્યો છે, જે મુજબ જાહેર સ્થળો, કાર્યસ્થળો અને વાહનોમાં પ્રવાસ દરમિયાન લોકોને ફરજીયાતપણે માસ્ક પહેરવું પડશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે અથવા નવો વટહુકમ રજૂ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
આ વટહુકમ મુજબ ફક્ત 10 વ્યક્તિઓને વિરોધ પ્રદર્શન, હડતાલ, સરઘસો, પરિષદો અથવા અન્ય મેળાવડાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે, અને એ માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. વધુમાં વધુ 50 લોકોને લગ્ન સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.
અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન માસ્ક પહેરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને સામાજિક અંતરને અનુસરવું ફરજિયાત છે. જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમને મહામારી રોગ (સુધારો) વટહુકમની જોગવાઈઓ હેઠળ શિક્ષા કરવામાં આવશે.