તિરૂવનંતપુરમ: કેરળ સરકારે બુધવારે જણાવ્યું કે, રાજ્યના પલક્કડ જિલ્લામાં ગત મહિને એક ગર્ભવતી હાથણીની નિર્મમ હત્યાના મામલે વન્યપ્રાણી ઘટનાની તપાસ કરશે. તો કેન્દ્ર સરકારએ આ મામલે ગંભીર વલણ અપનાવીને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. હાથણીએ સાયલન્ટ વેલી જંગલમાં ફટાકડાથી ભરેલું અનાનસ ખાધું હતું. જે તેના મોઢામાં જ ફૂટી ગયું હતું. ત્યાદબાદ લગભગ એક અઠવાડિયા પછી તેનું મોત થયું હતું.
આ ઘટનાથી લોકોમાં બહુ રોષ ફેલાયો છે. કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયને જણાવ્યું કે, પલક્કડ જિલ્લાના મન્નરકાડ વન વિભાગમાં હાથણીના મોત મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવેડકરે આ ઘટના અંગે ગંભીર વલણ અપનાવતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે આ ઘટના વિશે સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અપને જણાવી દઈએ કે, હાથણીનું 27 મેના રોજ મોત થયું હતું. આ અગાઉ વનકર્મીઓએ તેને નદીમાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી નહતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાથણી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.
ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં સગર્ભા હાથણીની હત્યાને ગણતરીપૂર્વક કરવામાં આવેલી હત્યા ગણાવી હતી. તેમજ પ્રાણીઓ માટે ન્યાયની માગ કરી હતી. આ ઘટના બાદ બોલીવૂડના કલાકારો અનુષ્કા શર્મા, શ્રધ્ધા કપુર, રણદીપ હુડ્ડા વગેરેએ પશુઓની આ રીતે ક્રુરતાપૂર્વક કરવામાં આવેલી હત્યા મામલે કડક પગલાં લેવાની માગ કરી છે.