નવી દિલ્હીઃ કોરોનાના કારણે કામ ધંધા બંધ હોવાથી વીજ ગ્રાહકોએ વીજ બિલ સમયસર ચૂકવ્યું ન હતું. જેના કારણે વીજ વિતરણ કંપનીઓની હાલત ખૂબ ખરાબ બની છે. દિલ્હીની વીજ વિતરણ કંપનીઓએ હવે કેન્દ્ર સરકારને મદદ માટે વિનંતી કરી છે.
રાજધાનીમાં વિજળીનું વિતરણ કરતી કંપનીઓ BSES યમુનાએ 2300 કરોડ રૂપિયા, રાજધાની પાવર લિમિટેડને 3050 કરોડ અને ટાટા પાવરે 1000 કરોડ રૂપિયા લોન માટે આ ત્રણેય કંપનીઓએ દિલ્હી સરકારના ઉર્જા સચિવ પાસે માગ કરી હતી. દિલ્હી સરકારે લોન આપવા માટે મનાઇ ફરમાવી હતી.
દિલ્હીમાં વીજ વિતરણ કરતી કંપનીઓની માગને આધારે દિલ્હી સરકાર ઉર્જા સચિવ પદ્મિની સિંગલાએ ભારત સરકારના ઉર્જા સચિવને આ ત્રણેય કંપનીની માગ પર એક પત્ર લખ્યો હતો.
દિલ્હી ઉર્જા સચિવે કેન્દ્ર સરકાર ઉર્જા સચિવને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, નિયમો મુજબ, દિલ્હી સરકાર ત્રણેય પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને લોન આપવા માટે કોઈ ગેરેંટી આપી શકતી નથી. પાટનગરમાં ત્રણેય પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ ખાનગી કંપનીઓ છે. જેનો હિસ્સો 51 ટકા છે જ્યારે દિલ્હી સરકારનો હિસ્સો 49 ટકા છે.
ભારત સરકાર ઉર્જા સચિવને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં દિલ્હી ઉર્જા સચિવે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમા ફેલાઇ રહેલી મહામારીએ રાજધાની દિલ્હીમાં પણ કહેર મચાવ્યો છે. જેને લઇ લોકોને 24 કલાક વીજળી પહોંચાડવી તે દિલ્હી સરકારની મુખ્ય જવાબદારી છે. ત્રણેય પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને રોકડની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, આ કંપનીઓને લોન માટે મંજૂરી આપવી જોઈએ.