હુબલી: કર્ણાટકના હુબલીની અદાલતે રાજદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને જામીન આપી દીધા છે. હુબલી પોલીસે આ વિદ્યાર્થીઓને પુલવામા આતંકી હુમલાની વર્ષગાંઠની ઉજવણી અને પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવવાના આરોપસર ધરપકડ કરી હતી. આ વિદ્યાર્થીઓ પર દેશદ્રોહનો કેસ લગાડવામાં આવ્યો હતો.
પોલીસે બુધવારે ત્રણેય વિદ્યાર્થીઓને હુબલીની જેએમએફસી-2 કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં ન્યાયાધીશે બંને પક્ષની સુનાવણી કર્યા પછી તેમને જામીન આપ્યા હતા.
યુથ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ, અશોક અનવેકરાએ આરોપી વિદ્યાર્થીઓને જામીન આપવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હુબલી રૂરલ પોલીસે સમયસર આ મામલે ચાર્જશીટ ફાઇલ કરી નથી, જેના કારણે આરોપીને જામીન મળી ગયા છે.
આરોપ છે કે ત્રણેય કાશ્મીરી વિદ્યાર્થીઓએ 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલાની વર્ષગાંઠ પર ઉજવણી કરી હતી અને પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આ વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર હતો, ત્યારબાદ હુબલી પોલીસે તેમની ધરપકડ કરી હતી.