શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારીના સભ્યની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ આતંકવાદીઓએ ભાજપના નેતાના પિતા અને ભાઇને પણ ગોળી મારી દીધી હતી, ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના અઘિકારીઓએ ભાજપના નેતાની સુરક્ષા કરવામાં બેદરકારી દાખવવા બદલ સાત પોલીસકર્મીની ધરપકડ કરી છે.

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે કહ્યું કે, આતંકવાદીઓએ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ વસીમ અહમદ બારીની દુકાનની બહાર રાત્રે 9 વાગ્યે ગોળી મારી હતી. જેમાં તેમનું મોત થયું હતું. પોલીસે જાણકારી આપી કે, આ ઘટનામાં ભાજપના નેતાના ભાઇ ઉમર અને પિતા બશીર અહમદનું પણ મોત થયું છે. ભાજપના નેતાની હત્યા પર કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યું હતું. તેમણે લખ્યું કે, આતંકીઓના હુમલાથી હચમચી ગયા છીએ.

ભાજપના નેતા રામ માધવે ટ્વીટ કરીને કહ્યું કે, બાંદીપુરામાં આતંકવાદીઓ દ્વારા ભાજપના યુવા નેતા વસીમ બારી અને ભાઇ તેમજ પિતાની હત્યાથી હેરાન અને દુ:ખી છું. બારીના પિતા પણ વરિષ્ઠ નેતા હતા. આઠ કમાન્ડો હોવા છતાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પરિવારને મારી સંવેદના.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અમર અબ્દુલ્લા અને બાંદીપુરાના ભૂતપૂર્વ ધારાસભ્ય ઉસ્માન મજીદે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ભાજપના નેતા સુરિંદર અંબેદરે આ ઘટનાની કડક નિંદા કરી હતી. કોંગ્રેસ અને પીડીપીએ પણ આ ઘટનાની કડક ટીકા કરી છે.