નવી દિલ્હી: 2 ખાનગી ટ્રેનના સફળ સંચાલન બાદ ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) વારાણસી અને ઈન્દોર વચ્ચે ત્રીજી ખાનગી ટ્રેન શરૂ થવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ વારાણસીમાં આ ટ્રેનને ફ્લેગ ઓન કરી શકે છે. જેની જાહેર સેવા 20 ફેબ્રુઆરી, 2020થી શરૂ કરવામાં આવશે.
આ ટ્રેનનું નામ કાશી મહાકાલ એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે, જે ઓંકારેશ્વર (ઈન્દોર નજીક), મહાકાલેશ્વર (ઉજ્જૈન) અને કાશી વિશ્વનાથ (વારાણસી) સહિત ત્રણ જ્યોતિર્લિંગને જોડશે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ વખત ચલાવવામાં આવશે અને ઉજ્જૈન, સંત હિરદાનગર, બીના, ઝાંસી, કાનપુર, લખનઉ અને સુલતાનપુર થઈને પ્રવાસ પૂર્ણ કરશે.
કાશી મહાકાલ એક્સપ્રેસ પ્રથમ પેસેન્જર ટ્રેન હશે, જે રાત્રિ પ્રવાસ દરમિયાન સુવિધા આપવાનો વાયદો કરે છે. વૈકલ્પિક રીતે, મુસાફરોને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ધાર્મિક અને પર્યટન સ્થળોનો આનંદ માણવા માટે વિશેષ પેકેજ આપવામાં આવશે. IRCTCની વેઈટીંગ યાદીની ટિકિટ સાથે કન્ફર્મ થયેલી ઇ-ટિકિટ રદ્દ કરવાની સ્થિતિમાં ટ્રેનનું ભાડુ પણ પરત કરવામાં આવશે.