ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણમાં મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે અમંગળ બનીને ઉભર્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે. ત્યારે મધ્યપ્રદેશના રાજકીય સંકટ વચ્ચે પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે મોટું નિવેદન આપ્યું છે.
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્ય પ્રધાન કમલનાથે કહ્યું અમારી પાસે બહુમત છે. અમે ગૃહમાં બહુમત સાબિત કરીશું. મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ પણ સર્તક થઈ ગયું છે. ભાજપ પોતાના ધારાસભ્યોને દિલ્હી લઈ જઈ રહી છે. મધ્યપ્રદેશ ભાજપના તમામ ધારાસભ્યોને ગુડગાંવ અથવા તો દિલ્હીની કોઈ હોટલમાં રાખવામાં આવશે.
અત્યાર સુધીમાં કુલ 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં 6 પ્રધાન અને 16 ધારાસભ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા સિંધિયાએ ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ છોડવાની સાથે જ સિંધિયાએ આગળનો રસ્તો નક્કી કરી લીધો છે.
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો છે અને વર્તમાનમાં 2 ધારાસભ્યોના નિધન થઇ ચૂક્યા છે, જેના કારણે વિધાનસભામાં 228 ધારાસભ્યો જ છે.