આ વખતે કોંગ્રેસે કમલનાથની જગ્યાએ તેમના પુત્ર નકુલનાથને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં પણ 29 એપ્રિલના છિંદવાડા બેઠક પર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે એકસાથે મતદાન થવાનું છે. એવામાં છિંદવાડા વિધાનસભા બેઠક માટે થઈ રહેલી ઉપચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર સીએમ કમલનાથ તેમજ બીજેપી ઉમેદવાર વિવેક બંટી સાહૂ સિવાય એક બીજા કમલનાથ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. કમલનાથ છિપનેના અપક્ષ ચૂંટણી લડવા પર તેમનું નામ હાલ ચર્ચાનો વિષય બની ગયું છે.
મધ્યપ્રદેશના ભાજીપાની ગામના વતની અને એમ.એ. સુધીનો અભ્યાસ કરેલા 29 વર્ષના કમલનાથ છિપનેએ છિંદવાડા વિધાનસભા વિસ્તારમાંથી રાજનીતિમાં આવવાનું મન બનાવ્યું છે. જો સીએમ કમલનાથ અને અપક્ષ ચૂંટણી લડનારા કમલનાથ છિપનેની વાત કરવામાં આવે તો આ બંન્નેમાં ઘણો તફાવત છે.
એક તરફ સીએમ કમલનાથ દિગ્ગજ નેતાઓમાં સામેલ છે, તો બીજી બાજુ કમલનાથ છિપને એ હાલ રાજનીતિમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા નથી. સીએમ કમલનાથની પાસે લગભગ 124 કરોડની સંપત્તિ છે, જ્યારે ગ્રામીણ ગેસ એજન્સીનું સંચાલન કરનારા કમલનાથ છિપનેની પાસે માત્ર બે લાખ રૂપિયા છે. મુખ્યપ્રધાન કમલનાથની ઉંમર 72 વર્ષની છે, તો કમલનાથ છિપનેની ઉંમર 29 વર્ષની જ છે.