ભોપાલઃ ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરૂવારે ભોપાલ જઇ રહ્યાં છે. જ્યાં ભાજપ કાર્યકર્તાઓએ તેમના સ્વાગતની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ કાર્યાલયને મોડી રાત્રિએ શણગારવામાં આવ્યું હતું. ભાજપ કાર્યકર્તા દ્વારા સિંધિયા માટે વિવિધ સ્થળે મંચ પણ બનાવવામાં આવી રહ્યાં છે. જે વિસ્તારમાં સિંધિયા પોતાના કાફલા સાથે જશે, તે વિસ્તારમાં કાર્યકર્તાઓ દ્વારા તેમના પર ફૂલ વરસાવવામાં આવશે.
જ્યોતિરાદિત્ય સિંધિયા રાજા ભોજ એરપોર્ટથી ભાજપ કાર્યલય જશે. જ્યાં પહોંચીને તેઓ સૌથી પહેલાં દીનદયાલ ઉપાધ્યાય, રાજમાતા વિજયારાજે સિંધિયા અને કુશાભાઉ ઠાકરેની પ્રતિમાને હાર પહેરાવશે. આ ઉપરાંત સિંધિયાના સ્વાગત સાથે જ ત્યાં માધવરાજ સિંધિયાનું ચિત્ર પણ રાખવામાં આવશે, જેમના આશીર્વાદ સિંધિયા લેશે. ભાજપ કાર્યાલયમાં આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં હજારો લોકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ કાર્યાલયમાં ચારેય દિશામાં લાલ કારપેટ પાથરવામાં આવ્યું છે.
ભાજપ કાર્યકર્તાઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા બપોરે 3 વાગ્યે પહોંચશે. જેથી વિવિધ સ્થળે કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ભાજપ કાર્યાલયમાં તે કાર્યકર્તાઓને મળશે આ દરમિયાન પણ તેમના સ્વાગતની જોરદાર તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીંયા ત્રણ અલગ-અલગ મંચ બનાવવામાં આવ્યાં છે. જેના પર આદિવાસી લોક સંગીતની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.
સિંધિયાના સ્વાગત કાર્યક્રમમાં હજારો લોકો આવશે, જેથી તમામના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 13 માર્ચના રોજ સિંધિયા ફરી ભાજપ કાર્યાલય આવશે અને ત્યારબાદ રાજ્યસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવશે, ત્યારે તેમની સાથે પ્રદેશ ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.