રાંચીઃ ઝારખંડમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે આજે કેબિનેટ મિટિંગ મળી હતી. આ બેઠકમાં કોરોના સંબંધી સરકારના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે બે વર્ષની સજા અને એક લાખ રુપિયાના દંડની જોગવાઈ કરી છે. આ અંગે બેઠકમાં સહમતિ સધાઈ હતી. સ્ટેટ કેબિનેટ સેક્રેટરી અજય કુમાર સિંહે જણાવ્યુ હતું કે, ઝારખંડ સંક્રામક રોગ અધ્યાદેશ 2020ને સ્વીકૃતિ અપાઈ છે. આ ઉપરાંત રાજ્ય સરકારે ઝારખંડનો નવો લોગો પણ એપ્રુવ કરાવ્યો છે. જે 15 ઓગસ્ટે લોન્ચ કરાશે.
આ બેઠકમાં કુલ 39 ઠરાવોને સર્વાનુમતે મંજૂરી અપાઈ છે. રાજ્યમાં 183 મદરેશામાં શૈક્ષણિક અને ગેર શૈક્ષણિક પદો માટેની બાકી પડતી 65.50 કરોડની રકમ આપવા માટે મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ચાલુ નાણાંકિય વર્ષમાં વધારાના 22.12 કરોડ આપવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત વનવિભાગનાં 1088 હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવાયો છે. વન ટાઈમ ટેક્સ ડિપોઝિટ ઉપરાંત એક કરતાં વધુ ગાડી રાખવા પર વધારાનો કર ચૂકવવો પડશે. રામગઢમાં કોલ બૈડ મિથેન પ્રોજેક્ટ માટે ઓએનજીસીને 2.9 એકર જમીન ફાળવવાને મંજૂરી અપાઈ છે.