જોકે, વર્ષ 2014ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપને 2.4 ટકા વધુ મત મળ્યા છે. પરંતુ એક ડઝનથી વધુ બેઠકોનું નુકસાન પાર્ટી માટે ઘણું નિરાશાજનક હતું. કોંગ્રેસ પાર્ટીએ અગાઉ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) સાથેના રાજકીય સંબંધો કાંપી નાખ્યા હતા. પરંતુ બાદમાં પક્ષને લાગ્યું કે આ તેમની વ્યૂહાત્મક ભૂલ હશે, માટે કોંગ્રેસે JMM અને RJDને પોતાના ગઠબંધનનો ભાગ બનાવી લીધો. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠક છે. જેમાંથી કોંગ્રેસ, JMM અને RJDના ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં 47 બેઠકો મળી હતી. જ્યારે બહુમતી માટે 41 બેઠકોની જરૂર હતી.
ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય પ્રધાન રઘુબરદાસ પર મોટો આધાર રાખ્યો હતો. તેઓ 'એક ટ્રેનમાં બે એન્જીન'ની જેમ વાત કરતા હતા કે, 'જો રાજ્ય અને કેન્દ્રમાં એક જ પાર્ટીની સરકાર હશે, તો વિકાસ થશે'. આ જ વાતનો તેઓ વારંવાર પ્રચાર કરતા રહ્યાં. પરંતુ બીજા પરિબળ ઉપર પાર્ટી ધ્યાન આપી શકી નહીં અને પરિણામ ઘણું વિપરિત આવ્યું.
અર્જુન મુંડા જેવા નેતાઓની અવગણના કરવામાં આવી. તે અગ્રણી આદિવાસી નેતા છે. ભાજપે ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ્સ યુનિયન સાથે પણ સંબંધો તોડી નાખ્યા. 2014માં AJSUને પાંચ બેઠકો મળી હતી. ત્યારે ભાજપને 37 બેઠકો મળી હતી. આ વખતે જ્યારે AJSUએ વધુ બેઠકોની માગ કરી ત્યારે ભાજપને લાગ્યું કે, તેમની માગણીઓ યોગ્ય નથી. પરંતુ ચૂંટણી પરિણામ ભાજપને આ અંગે વિચારવા માટે મજબૂર કર્યું છે.
ભાજપના છ પ્રધાનો ચૂંટણી હારી ગયા. ખુદ મુખ્ય પ્રધાન રઘુબરદાસ પણ તેમના જ પક્ષના બળવાખોર ઉમેદવાર સરયૂ રાય સામે હારી ગયા. આ એક એવું ઉદાહરણ છે, જે દર્શાવે છે કે, રાજ્યમાં પાર્ટી વાસ્તવિકતાથી કેટલી દૂર હતી. જોકે રાજ્ય માટે એ ખુશીના સમાચાર છે કે, JMMના મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે, જેથી રાજ્યમાં રાજકીય સ્થિરતા રહેશે.
ઝારખંડના પ્રથમ 14 વર્ષો રાજકીય અસ્થિરતાથી ભરેલા છે. આપ એ વાત પરથી ઝારખંડની સંવેદનશીલતાનો અંદાજ લગાવી શકો છો કે, મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો છે. તેમ છતાં ત્યાં ફક્ત એક તબક્કામાં ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી. પરંતુ ઝારખંડમાં પાંચ તબક્કામાં ચૂંટણીઓ યોજાઇ હતી, જ્યારે અહીં વિધાનસભાની માત્ર 81 બેઠકો છે. જેમાં દર પાંચમાંથી ચાર બેઠકો આતંકવાદના પ્રભાવ હેઠળ છે.
વડા પ્રધાન મોદીએ આ પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, 'જો આટલા જ ખનિજ સંસાધનો ધરાવવા છતાં ઓસ્ટ્રેલિયા સારી રીતે પ્રગતિ કરી શકતું હોય તો ઝારખંડ હજી કેટલા વર્ષ સંકટમાં રહેશે? ઝારખંડની જનતાએ વડા પ્રધાન મોદીના વિકાસના સૂત્રનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો - સૌનો સાથ સૌનો વિકાસ.
ઝારખંડની આદિવાસી જનતાએ રઘુબરદાસ દ્વારા રજૂ કરાયેલા વિવાદિત જમીન અધિગ્રહણ કાયદાને કારણે તેમની સરકાર પરનો વિશ્વાસ ગુમાવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે, ભાજપે OBC અને ઉચ્ચ જાતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગૌ રક્ષકોના નામે બિનહિંદુઓ વિરૂદ્ધ આંદોલન ચલાવાયું હતું. જેમાં 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યાં પણ વડા પ્રધાન મોદી અને અમિત શાહ રેલી યોજવા ગયા હતા, ત્યાં તેઓએ નાગરિકતા સંશોધન બિલ અંગે ચર્ચા કરી હતી. પરંતુ આ બધા મુદ્દાઓ યોગ્ય પરિણામ લાવી શક્યા નહીં.
વર્ષ 2014થી ભાજપે તેની જીતની પરંપરા શરૂ કરી હતી અને નવી રાજનીતિની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 2017 સુધીમાં ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર આપ્યું હતું. અને દેશની લગભગ 71 ટકા બેઠકો પર જીત મેળવી હતી. આ જીતથી આખા દેશને આશ્ચર્ય થયું હતું. વિપક્ષ પણ આથી આશ્ચર્યચકિત થઈ ગયો. વિરોધ પક્ષો પણ આનો કોઈ માર્ગ વિચારી શક્યા નહોતા. પરંતુ એક વર્ષની અંદર-અંદર પાર્ટીએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હવે ઝારખંડ પણ ગુમાવ્યું છે. કર્ણાટકમાં તો જોડ-તોડ કરીને પાર્ટીએ સરકાર બનાવી લીધી. હરિયાણામાં પણ ભાજપને દુષ્યંત ચૌટાલા સાથે હાથ મિલાવવા પડ્યા હતા. જ્યારે પ્રચાર દરમિયાન બંને પક્ષો એકબીજા વિરૂદ્ધ રાજકીય નિવેદનો આપી રહ્યા હતા.
બે વર્ષ પહેલા ભાજપની અભૂતપૂર્વ વૃદ્ધિએ લોકશાહીમાં વિરોધ પક્ષના અસ્તિત્વને લગભગ નાબૂદ કરી દીધુ હતું. જે-તે સમયે ભાજપનો એજન્ડા સમકાલીન કોંગ્રેસની રાજનીતિને દૂર કરવાનો હતો. જે મૂલ્યોથી એટલી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે, ભાજપના આક્રમણ સામે પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું.
ઝારખંડની ચૂંટણી ભાજપ માટે બોધપાઠ સમાન છે. તમે સ્થાનિક નેતાઓની અવગણના કરી શકો નહીં. સ્થાનિક સ્તરે વ્યૂહરચનાઓ પણ અલગ પ્રકારની અપનાવવી પડે છે. સ્થાનિક સ્તરે ગઠબંધનનું પોતાનું અલગ જ મહત્વ હોય છે. આ પરથી આશા રાખી શકાય કે, ભાજપ આ ઘટનાઓમાંથી બોધપાઠ લઈને દિલ્હીની આગામી ચૂંટણીની તૈયારી કરશે.