જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં વધતી જતી ફી અને હોસ્ટેલ મેન્યુઅલના ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે વિન્ટર સેમેસ્ટર 2020ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેને લઈને જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. એમ જગદીશ કુમારે કહ્યુ કે, JNUમાં અભ્યાસ લઈ રહેલા 8500 વિદ્યાર્થીઓમાંથી 82 ટકા વિદ્યાર્થીઓએ બધી જ ફી જમા કરાવી દીધી છે. જે વિદ્યાર્થીઓને ફી ભરવાની બાકી છે, એ વિદ્યાર્થીઓ પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લેટ ફાઈન સાથે પૂર્ણ કરી લેશે.
આ સાથે જ તેમણે કહ્યું કે, આ વખતે વિશ્વવિદ્યાલય ગણતંત્ર દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યુ છે. જેમાં પહેલીવાર NCC કેડેટ ધ્વજારોહણ સમારોહમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, JNUમાં 28 ઓક્ટોબરે જારી કરાયેલા પરિપત્રનો વિરોધ ચાલી રહ્યો છે. આ સમયે વિદ્યાર્થીઓએ ચોમાસુ સત્રની પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો, તેમજ શિયાળુ સત્ર માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી. જેના કારણે વહીવટીતંત્રે શિયાળુ સેમેસ્ટરની સમયમર્યાદા વધારવી પડી હતી.