શ્રીનગરઃ નવી વ્યાખ્યા કરવામાં આવી તેની સામે જમ્મુ અને કાશ્મીરના બધા જ પ્રકારના રાજકીય વર્તુળો તરફથી વિરોધ થયો. તેના કારણે કેન્દ્ર સરકારે પીછેહઠ કરી અને નવું જાહેરનામું બહાર પાડીને પોતાની જ અગાઉની વ્યાખ્યામાં ફેરફારો કર્યા. તેના કારણે રાજકારણીઓનો થોડો વિરોધ શમ્યો છે, પણ તે બાબતમાં હજીય ચિંતા રહેલી છે.
તે વિશે વાત કરતાં પહેલા એ જોઈએ કે જમ્મુ અને કાશ્મીરનો ડોમિસાઇલનો, રહેઠાણનો મુદ્દો શું છે. 5 ઑગસ્ટ, 2019 સુધી રાજ્યના નાગરિક અને કાયમી વસાહતી કોને ગણવા તે નક્કી કરવાનો અધિકાર વિધાનસભાને હતો. પરંતુ તે દિવસે કેન્દ્ર સરકારે કલમ 370 નાબુદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ કર્યો હતો અને તેનું વિભાજન બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરી દેવાયું હતું. રહેવાસી તરીકેનો દરજ્જો મળતો હોય તેમને જ રાજ્યમાં સરકારી નોકરીઓ મળતી હતી અને તે લોકો જ રાજ્યમાં સ્થાયી મિલકતોની ખરીદી કરી શકતા હતા.
હકીકતમાં જમ્મુ-કાશ્મીરના વસાહતીનો મામલો કલમ 370 કરતાંય પહેલાંનો છે. છેલ્લે 1927 અને 1932માં તે વખતના અને છેલ્લા શાસક મહારાજા હરિ સિંહના વખતમાં વસાહતી નાગરિક તરીકેના કાયદા નક્કી કરાયા હતા. તે કાયદાઓની જોગવાઈઓને જ આઝાદી બાદ ભારતીય બંધારણની કલમ 370માં અને 35Aમાં ઉમેરી દેવામાં આવી હતી.
સરકારે પ્રારંભમાં વ્યાખ્યા કરી હતી તેમાં માત્ર નોન-ગેઝેટ હોદ્દાઓ જમ્મુ-કાશ્મીરના વસાહતીઓ માટે જ અનામત રખાયા હતા. તેના કારણે નેશનલ કૉન્ફરન્સ, પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, અને નવો પક્ષ અપની પાર્ટી સહિતના કાશ્મીર ખીણના રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. અપની પાર્ટીને કેન્દ્ર સરકારની આડકતરી મદદ હોવાનું માનવામાં આવે છે.
કાશ્મીર ખીણમાંથી ચિંતા વ્યક્ત કરવામાં આવી ત્યાર બાદ નવી દિલ્હીએ નિયમોમાં સુધારા કર્યા હતા. નિયમો સુધાર્યા પછી હવે માત્ર જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ હોય તે લોકો જ આ કેન્દ્રશાસિત પ્રદેશની સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે. આ નિયમ પ્રમાણે બહારથી આવેલા પણ છેલ્લા 15 વર્ષથી જમ્મુ અને કાશ્મીર રહેતા અને ડોમિસાઇલ પ્રાપ્ત કરનાર વ્યક્તિને પણ નોકરી માટે અરજી કરવા લાયક ગણવામાં આવશે.
જોકે સુધારેલા નિયમો સામે પણ કાશ્મીર ખીણના રાજકીય વર્તુળોમાં વિરોધ છે. પીડીપીએ જણાવ્યું હતું કે “અમારા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રહે તે જરૂરી છે. જમ્મુ અને કાશ્મીરની વસતિમાં ફેરફાર થાય તે પ્રકારની ચિંતા છે તે બાબતમાં પણ ભારત સરકારે વિચારવાની જરૂર હતી. પાછળથી થોડી રાહત આપી દેવાઈ, પણ એક તરફ સંકટ જેવી સ્થિતિ છે ત્યારે ભારત સરકારે આવી રીતે ડોમિસાઇલ માટે નિર્ણય કર્યો તેનાથી ચિંતા હળવી થતી નથી”.
રાજ્યના રાજકારણ પર આની લાંબા ગાળાની અસર થશે, અને હાલની અસરો વિશેની પણ ચિંતા છે. જમ્મુ અને કાશ્મીરમાં 84,000 નોકરીઓ ખાલી પડી છે એવા અહેવાલો છે, ત્યારે તેની ભરતીની પ્રક્રિયામાં પણ અસર થઈ થઈ શકે છે.
જોકે એવું બની શકે કે કેન્દ્ર સરકારે પહેલાં નિયમો જાહેર કરી દીધા (જેમાં વસાહતી ના હોય તે પણ અરજી કરી શકે તેમ હતા) અને તેની સામે વિરોધ જાગ્યો ત્યાર બાદ નિયમો સુધારી લીધા અને તે રીતે સરસ રીતે આખી રમત કરી.
નિર્ણયનો સમય
આ નિર્ણય એ સમયે કરાયો, જેના કારણે આશ્ચર્ય થું છે. સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસ સામેની કાર્યવાહીમાં વ્યસ્ત છે ત્યારે જ ગૃહ વિભાગે નવા નિયમો જાહેર કરી દીધા. આવો સમય જ કેમ પસંદ કરવામાં આવ્યો તેના સવાલો રહેશે. કદાચ ગૃહ મંત્રાલયે એમ ધાર્યું હશે કે COVID-19 મહામારીને કારણે અવરજવર બંધ છે ત્યારે કાશ્મીર ખીણમાં આ જાહેરનામાનો કોઈ વિરોધ થશે નહિ.
આ વાત સાચી ઠરી હોય તેમ લાગે છે. બે મોટા નેતાઓને જેલમાંથી મુક્ત કરાયા છે તેનો સમય પણ નોંધો. આ જ સમયગાળામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને મુક્ત કરાયા છે. COVID-19 મહામારી વચ્ચે તેમને મુક્ત કરાયા, તેના કારણે અન્ય સંજોગોમાં તેમને વધાવવા હજારો કાશ્મીરીઓ એકઠા થઈ ગયા હોત તેવું બન્યું નહોતું. નેશનલ કૉન્ફરન્સના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રસ્તા પર આવી શક્યા નથી.
અસરો
જમ્મુ અને કાશ્મીરમાં ડોમિસાઇલ માટેનો નવો કાયદો પણ લાગુ પડાયો છે તે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરને વિશેષ રાજ્ય તરીકે ના ગણવામાં આવે તે નીતિમાં જ આગળ વધી રહી છે. નવી દિલ્હીમાં નવી સરકાર આવે ત્યાં સુધીમાં જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ એવી રીતે સમગ્ર દેશ સાથે જોડાઇ ગયો હશે કે તેમાં ફેરફારો કરવાનું ભવિષ્યમાં મુશ્કેલ જ બને.
જોકે આ નિયમોને કારણે જમ્મુ અને કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવામાં નહિ આવે તેવું માનવાને કોઈ કારણ નથી. હકીકતમાં નવી દિલ્હીના નેતાઓએ વારંવાર એવું કહ્યું છે કે યોગ્ય સમયે જમ્મુ અને કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
હાલમાં નવો કાયદો કરવામાં આવ્યો તેના કારણે રાજ્યના દરજ્જાની બાબતમાં કોઈ મુશ્કેલી થાય તેમ નથી. તેનાથી માત્ર રાજ્યના વિશેષ દરજ્જાની બાબતમાં જ ફેર પડવાનો છે. આ રીતે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો કોઈ પણ સંજોગોમાં આપી શકાય નહિ. સમગ્ર ફોકસ રાજ્યને કેન્દ્રશાસિતમાંથી રાજ્યના દરજ્જામાં લાવવા માટે જ રહેશે અને કેન્દ્રને પણ તે બાબતમાં વાંધો હોય તેમ લાગતું નથી.
હેપ્પીમોન જેકબ, એસોસિએટ પ્રોફેસર, સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ પોલિટિક્સ, ઓર્ગેનાઇઝેશન અને ડિસાર્મામેન્ટ, જેએનયુ