મુંબઈઃ બૉલિવૂડમાં ગાયકીથી વિશેષ ઓળખ મેળવનાર અદનાન સામીને પદ્મ શ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. જેને લઈ કેટલાક લોકોએ તેમના સામે સવાલો કર્યા હતાં. આ અંગે વાત કરતા અદનાન કહ્યું હતું કે, "રાજકીય લાભ માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે."
એવોર્ડથી સંલગ્ન રાજકીય મતમતાંતરો વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે, "હું રાજકારણી નથી. હું એક સંગીતકાર છું. લોકો રાજકારણમાં પોતાનો રોટલો શેકવા માટે મારો ઉપયોગ કરી રહ્યાં છે. રહી વાત સિટીઝનશીપ એક્ટની તો વ્યક્તિગ રીતે માનું છું કે, આ એક્ટ લઘુમતીઓ માટે છે. જેમની પર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સતાવણી કરવામાં આવી હતી."
આગળ વાત કરતાં સામીએ કહ્યું હતું કે, "મારા પિતા 1965ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં ફાઇટર પાઇલટ હતા. તેઓ એક સન્માનિત સૈનિક હતા. દેશભક્તિ અને વ્યાવસાયિક સૈનિક તરીકે તેમણે દેશ માટે ફરજ બજાવી હતી. આ એવોર્ડ મને મારી કળા માટે આપવામાં આવ્યો છે. "
નાગરિકતા એક્ટ વિશેના જવાબમાં સામીએ જણાવ્યું હતું કે, "જ્યારે મેં મારા પિતાને કહ્યું કે, હું ભારતીય નાગરિકત્વ લેવા માંગુ છું, ત્યારે તેણે કહ્યું હતું કે, મેં મારું જીવન જીવ્યું છે અને આ હવે તમારું જીવન છે, તમે જ્યાં રહો ત્યાં તમે સુખી થાઓ. દુર્ભાગ્યે તેમનું 2009માં અવસાન થયું હતું. મારી વ્યવસાયિક કારકિર્દીના 34 વર્ષોમાં, મેં ભારતને 20 વર્ષ આપ્યા છે. ભારતીય નાગરિકત્વ મેળવવું એ મારો 18 વર્ષનો સંઘર્ષ છે. મને બેવાર નામંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ મેં હાર માની નહીં. આખરે બધી શરતો પૂરી કરીને હું એક ભારતીય નાગરિક બન્યો. જો ભારત સરકાર આજે મને પદ્મશ્રી સાથે સન્માનિત કરે છે, તો તેઓ મારી 34 વર્ષની લાંબી કારકિર્દી માટે આ સન્માન આપી રહ્યા છે."