નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત મુદ્દે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ અને RSSની વિચારધારા અનામતની વિરૂદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 10 ફેબ્રુઆરીએ આપેલા આદેશમાં કહ્યું હતું કે, અનામતના મુદ્દે 4 અઠવાડિયા પછી સુનાવણી કરવામાં આવશે.
રાહુલે કહ્યું કે, BJP, RSS ક્યારેય અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જનજાતિ (ST) પ્રગતિ કરે એવું ઇચ્છતા નથી. RSS અને ભાજપ સંસ્થાકીય માળખાને તોડી રહ્યાં છે. હું SC /ST /OBC અને દલિતોને કહેવા માગુ છું કે, અમે ક્યારેય અનામતને ખત્મ થવા દઇશું નહીં, પછી ભલે તે મોદી કે મોહન ભાગવતનું સપનું કેમ ન હોય.
રાહુલ ગાંધીએ કહ્યું કે RSS અને ભાજપની વિચારધારા SC-ST અનામતની વિરૂદ્ધ છે. તે ભારતમાંથી કાંઈ પણ કરીને અનામતનો અંત લાવવા માગે છે. તે અનુસૂચિત જાતિ, જનજાતિ આગળ વધે તેવું ઇચ્છતા નથી. રાહુલે કહ્યું કે, અનામતએ બંધારણનો મુખ્ય ભાગ છે અને તેને નાબૂદ કરી શકાતો નથી. અમને સંસદમાં બોલવાની છૂટ નથી. RSS અને ભાજપ ભલે સપનું જોતા હોય, અમે અનામતનો અંત લાવવા દઇશું નહીં.
વધુમાં રાહુલે કહ્યું કે, ભાજપ અને RSSને DNAમાં અનામત શબ્દ ખૂંચે છે. ભાજપ અનામત નાબૂદ કરવા માગે છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલે વધુમાં કહ્યું કે, દરેક સંસ્થાને તોડવામાં આવી રહી છે, ન્યાયતંત્ર પર દબાણ કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપ બંધારણના મોટા આધારસ્તંભોને ખતમ કરવા માટે ધીરે ધીરે કામ કરી રહ્યું છે.