ન્યૂઝ ડેસ્કઃ ભારતીય સંસ્કૃતિએ આપણને “સત્યનો હંમેશા વિજય થાય છે” એમ કહીને 'સત્યમેવ જયતે'નો જીવનમાં અમલ કરવા જણાવ્યું છે. આ વાતને પરિપ્રેક્ષ્યમાં રાખીને જે કહેવાયું છે તેને સૌથી વધુ મહત્ત્વ આપીને ભારતના બંધારણે ભારતીય બંધારણ ઘડતી વેળાએ લોકશાહીના ‘રાઈટ ટુ સ્પીચ”ને એક મહત્ત્વપૂર્ણ ઈનપુટ તરીકે સામેલ કર્યો હતો. ચોથી જાગીર તરીકે જેને બિરદાવવામાં આવ્યું છે તેમજ લોકશાહી રાષ્ટ્રનાં મહત્ત્વનાં સ્તંભમાં જે સ્થાન ધરાવે છે, તે પત્રકારત્વ, સત્યની શોધ અને તેને વાચા આપવાનું જ કાર્ય કરે છે, તેનાથી વધુ કે ઓછું કશું નહીં. આપણી ઉપર શાસન કરી રહેલા નેતાઓની ઈચ્છા વિરુદ્ધનાં તેમજ તેમને નાખુશ કરતાં સત્યો શોધી કાઢીને તેને પ્રકાશમાં લવાયાં હોય, તે કારણે જો અભિવ્યક્તિનું આ સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવે તો તે એકંદરે તો લોકશાહીનું ખૂન કરવા જેવું જ ગણાશે !!
કોવિડ-19 મહામારી સામેનો જંગ લડવા માટે ડોક્ટરો, સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ અને સફાઈ કર્મચારીઓ જેવા વિવિધ મોખરાના લડવૈયાઓની સાથે ખભેખભા મિલાવીને પત્રકારોએ પણ કામ કર્યું છે. તમામ હરોળના અધિકારીઓને આગળનો રસ્તો બતાવવા માટે ટોર્ચ પકડનારા પત્રકારો છે. તેમણે જ નાગરિકોને સલામતિ અને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવામાં રહેલી ત્રુટિઓ અને અભાવો બતાવ્યાં અને અધિકારીઓને સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદ કરી. સત્ય ઉપર પ્રકાશ ફેંકનારા આ પત્રકારો ઉપર ખોટા કેસો ફાઈલ કરવા અને તેમને ત્રાસ આપવો, એ બીજું કશું નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના આત્મા ઉપર ઘા કરવા સમાન છે!!
વડાપ્રધાને દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો ઉપર પ્રસારિત થતા પોતાના વક્તવ્ય મન કી બાતના માર્ચના છેલ્લા સપ્તાહના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે ડોક્ટરો, નર્સો અને સૈનિકો જેવા આગલી હરોળના કોરોના સામેના યુદ્ધના લડવૈયાઓમાંથી પ્રેરણા મેળવવી જોઈએ. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે તે સ્વાસ્થ્ય કર્મચારીઓ સામેની હિંસા સહન નહીં કરી લે - અને તેણે તેમની સલામતિ માટે વટહુકમ પણ પસાર કર્યો હતો. દેશભરના ઘણા ડોક્ટરોએ દાવો કર્યો હતો કે વાયરસ-ગ્રસ્ત દર્દીઓથી પોતાનું રક્ષણ કરવા માટે તેમની પાસે પર્યાપ્ત પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (પીપીઈ) ન હતાં. સર્વોચ્ચ અદાલતની દરમ્યાનગીરી પછી પણ પરિસ્થિતિ સુધરી હોવાનું કહી શકાય તેમ નથી. એ કહેવાની જરૂર નથી કે દેશની રાજધાનીમાં સ્થિતિ વધુ વણસેલી છે. એક ડોક્ટરે સરકારી હોસ્પિટલમાં પ્રવર્તતી સ્થિતિનું રેકોર્ડિંગ કરીને તેનો પ્રસાર કરતાં સરકારે એફઆઈઆર દાખલ કરી અને તે ડોક્ટરને સસ્પેન્ડ કરાયા હતા. સર્વોચ્ચ અદાલતે આ વાતને ગંભીરપણે લીધી અને જણાવ્યું કે દિલ્હીની સરકારે આ પ્રકારના કેસો દાખલ કરીને ડોક્ટરોને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ અને તેને બદલે આવાં કાર્યોનો બદલો લેવા માટે હોસ્પિટલોની સ્થિતિ સુધારવી જોઈએ. ફક્ત દિલ્હીમાં જ નહીં, પરંતુ અન્ય પણ અનેક સ્થળોએ સરકાર દ્વારા આ રીતનાં પગલાં લેવાઈ રહ્યાં હોય ત્યાં પત્રકારોનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે.
કોરોના વાયરસે તેનું વિકરાળ સ્વરૂપ વધારવું શરૂ કર્યું અને વિશ્વભરના લાખો લોકોના જીવનનો ભોગ લીધો ત્યારે કલમની મદદથી લડતા આ લડવૈયાઓએ તેમની દુર્દશા બાકીની દુનિયાને જણાવી અને સરકારો તો તેનાથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આવી સરકારોએ પત્રકારો અને માધ્યમો ઉપર ખોટા આક્ષેપોનાં આળ લગાવવાનું શરૂ કર્યું. લોકોની સ્થિતિ પ્રકાશમાં લાવવાના તેમજ લોકડાઉનના નિયમનોનું અનુપાલન નહીં કરવાની ઘટનાઓ ઉપર પ્રકાશ ફેંકવાના આ 'મહા ગુના’ માટે 55 પત્રકારો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દત્તક લીધેલા વારાણસીના ગામમાં લોકડાઉન દરમ્યાન લોકો ભૂખે મરતા હોવાના સમાચારથી ઉત્તર પ્રદેશની સરકાર રોષે ભરાઈ હતી. ‘સ્ક્રોલ-ઈન-પોર્ટલ’ના સુપ્રિયા શર્મા વિરુદ્ધ કેટલાક કેસો ફાઈલ કરવામાં આવ્યા, જેમણે લોકડાઉન દરમ્યાન ડોમરી ગામના લોકોના બેહાલ તેમજ પોતાના અનુભવો વિશે શ્રેણીબદ્ધ લેખો લખ્યા હતા. જાહેર વિતરણની વ્યવસ્થાના બેહાલ હોવા, અમલદારોની અક્ષમતા અને ભ્રષ્ટાચારને કારણે ખાદ્યચીજોની તંગી તેમજ લોકોની પીડા વિશે લખવામાં કંઈ ખોટું તો નથી. તેઓ ક્ષેત્રની પરિસ્થિતિઓની સમીક્ષા અને ખામીઓ ઉપર પ્રકાશ ફેંકવા માટે શાસન તંત્રને મદદરૂપ છે. જોકે, માયાદેવી નામની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમને એક સમાચારમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં હતાં અે તેમણે જે-તે પત્રકાર વિરુદ્ધ આઈપીસીની કલ 269 (જીવલેણ રોગચાળાનું અવિચારી જોખમ) અને 501 (માનહાનિ કરતાં પ્રકાશન)ની સાથે સાથે એસસી અને એસટી એટ્રોસીટીઝ એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દમન વિરોધી કાયદો) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ધ વાયર નામના સમાચાર પ્રકાશનના સંપાદક સિદ્ધાર્થ વરદરાજન વિરુદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમણએ 25મી માર્ચ, 2020ના રોજ અયોધ્યામાં એક ધાર્મિક સંમેલનમાં મુખ્ય પ્રધાન આદિત્યનાથે લોકડાઉનના નિયમોનો ભંગ કરીને ભાગ લીધો હોવાના અહેવાલ પ્રકાશિત કર્યા હતા. કોરોના કટોકટીને કોરોનાના બદસૂરત ચહેરા સામેની લડાઈ તરીકે ગણવામાં આવે છે, ત્યારે સરકારો આ પ્રકારના અસહિષ્ણુ અને વેરની ભાવનાવાળા કાર્યવાહી તંત્ર સાથે લોકોને શું સંદેશ આપવા માગે છે ?
મહાત્મા ગાંધીએ કહ્યું હતું, અખબારો સત્યને તેના સાચા અર્થમાં ટિપ્પણી કરવા અને પ્રકાશિત કરવા સ્વતંત્ર હોય છે (કેટલીકવાર સંજોગોની ખોટી રજૂઆત હોઈ શકે તો પણ), શું તે અવાજની સાચી અભિવ્યક્તિ હોઈ શકે છે !!" આ રીતે કેસો ફાઈલ કરવા અને પત્રકારોને ત્રાસ આપવા જેવાં ઘૃણાસ્પદ કૃત્યોના ભયજનક અધમ વલણ બાબતે સંપાદકોની ચિંતા ઘણા બૌદ્ધિક વિચારકો અને વિશ્લેષકો દ્વારા જતાવવામાં આવી રહી છે. અમર્ત્ય સેન જેવા વિશ્લેષકે જણાવ્યું છે કે પત્રકારો અને રિપોર્ટર્સે જ્યારે દુકાળ અને મહામારી જેવા સંકટો આવ્યાં ત્યારે હંમેશા મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને કલમ દ્વારા યુદ્ધ લડતા આ લડવૈયાઓ સરમુખત્યાર દેશો કરતાં લોકશાહી દેશોમાં વધુ સ્વતંત્રતાપૂર્વક વાત રજૂ કરી શકે તેવી ધારણા છે. ખાસ કરીને આપત્તિ વેળાએ લઘુતમ સંસાધનોથી મહત્ત્મ લાભ મેળવવા માગતી કોઈ પણ સરકારે માધ્યમોનું મહત્ત્વ સમજવું જોઈએ અને તેમને અભિવ્યક્તિની છૂટ આપવી જોઈએ. અને વધુ મહત્ત્વનું કે પ્રામાણિકતાનો આદર થવો જોઈએ. લગભગ સાડા ત્રણ દાયકા અગાઉ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે “દેશભરની અદાલતોએ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું જોઈએ. કોઈ પણ સરકાર આ અધિકાર વિરુદ્ધ કામ ન કરે તે જોવાની જવાબદારી અદાલતોની છે.”
પાંચ વર્ષ અગાઉ બોમ્બે વડી અદાલતે નોંધ્યું હતું, “કોઈ પણ નાગરિક શાસન તંત્રની અત્યંત આકરા શબ્દોમાં ટિપ્પણી કરવાનો અધિકાર ધરાવે છે. જો કોઈ હિંસા માટે ભડકાવતું હોય તો જ સરકાર કોઈની સામે રાજદ્રોહનો કેસ માંડી શકે છે.” આમ છતાંયે, પોતાના વિરુદ્ધ કડવું સત્ય લખાય તે સાંખી નહીં શકતી સરકારો લોકશાહીનાં મૂલ્યોને નેવે મૂકવા બધું જ કરી છૂટે છે અને તેનાથી નાગરિક અધિકારોનું હનન થાય થાય છે. તમે આ વાત સાથે અસંમત થઈ શકશો?