પ્રશ્ન: 2015માં કોંગ્રેસ એકેય બેઠક જીતી શકી નહોતી, ત્યારે 2020 દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેવી આશા છે?
- આ ચૂંટણી કોંગ્રેસ પક્ષ માટે પુનઃવાપસીની ચૂંટણી બની રહેશે.
પ્રશ્ન: ક્યા આધારે આવો દાવો કરી શકો છો?
- 2013ની ચૂંટણીને યાદ કરો, કેમ કે અન્ના હજારેના ભ્રષ્ટાચારના વિરોધમાં અને લોકપાલની માગણી સાથેના આંદોલન વચ્ચે તે યોજાઇ હતી. દરેકની માગણી હતી કે લોકપાલની નિમણૂક થવી જોઈએ.
પણ છેલ્લા સાડા છ વર્ષમાં શું થયું છે? આ મુદ્દે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શું કર્યું છે? તેમણે કશું જ કર્યું નથી. તેના બદલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં રહ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે તેમને કશું કામ કરવા દીધું નથી.
પ્રશ્ન: આ વખતે તમારા હરિફ કોણ, ભાજપ કે આમ આદમી પાર્ટી?
- અમારી દૃષ્ટિએ બંને મળેલા છે. છેલ્લે છેલ્લે અરવિંદ કેજરીવાલ ભાજપના ભાઈ હોય તેવી રીતે જ વર્તી રહ્યા છે.
પ્રશ્ન: એવું કઈ રીતે કહી શકો?
- જૂઓ, કેજરીવાલને કારણે જ હરિયાણામાં ગયા વર્ષે ભાજપ-જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન થયું છે. કેમ કે જેજેપીના વડા દુષ્યંત ચૌટાલા પહેલાં કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જ હતા. દિલ્હી સરકારે જ દુષ્યંતના પિતા અજય ચૌટાલાને મધરાતે તિહાર જેલમાંથી નિયમો તોડીને છોડ્યા હતા. જેલ મેન્યુઅલમાં સ્પષ્ટ જણાવાયું છે ફાઇલ પહેલાં રાજ્યના ગૃહ વિભાગ પાસે જવી જોઈએ. અહીં તો દિલ્હીના ગૃહ પ્રધાન કહે છે કે તેમને ખબર જ નથી. આવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.
પ્રશ્ન: કોંગ્રેસ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતની કામગીરીનો જ પ્રચાર કરી રહ્યું છે. એવા કયા ત્રણ કારણો છે કે દિલ્હીના લોકો તમને ફરીથી ચૂંટે?
- વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ સામે તેમણે વિરોધ કર્યો ત્યારે પોલીસે તેમને ખરાબ રીતે માર્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓ સામે ભેદભાવની રીતે કામ કર્યું છે. જામિયામાં તેઓ પરમીશન વિના ઘૂસી ગયા, જ્યારે જેએનયુના દરવાજે પોલીસ રાહ જોતી રહી અને તોફાનીઓએ કેમ્પસમાં ધમાલ મચાવી.
એક મુખ્ય પ્રધાન લોકોનો રક્ષક હોય છે. આ થયું ત્યારે મુખ્ય પ્રધાન ક્યાં હતા? અસહાય વિદ્યાર્થીઓને જે સરકાર ના બચાવી શકે તેમને સત્તામાં રહેવાનો અધિકાર નથી. તેમણે ત્યાં જઈને વિદ્યાર્થીઓના હિતની વાત કરવી જોઈએ હતી. બીજું કે દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવાના મુખ્ય પ્રધાનના દાવાનું શું થયું? ગયા વર્ષે શ્વાસની બીમારીને કારણે રોજેરોજ 58 લોકોના મોત થતા રહ્યા. ડુંગળીના ભાવ વધી ગયા છે તે જુઓ.
આ બધા મુદ્દા અસર કરે છે. જે સરકાર પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકે, શુદ્ધ હવા ના રાખી શકે, મોંઘવારી કાબૂમાં ના રાખી શકે તેને સત્તામાં રહેવાનો અધિકાર નથી. તેથી જ અમે ચૂંટણી લડી રહ્યા છીએ. તેમણે કશું જ નથી કર્યું માત્ર તેની વાત નથી કરતા પણ અમે અમારી વાત મૂકી રહ્યા છીએ.
પ્રશ્ન: AAPનો દાવો કે સસ્તામાં વીજળી આપવામાં આવે છે. 200 યુનીટ સુધી ફ્રીની જાહેરાત મુખ્ય પ્રધાને કરી હતી. તેના વિશે શું કહેશો?
- સસ્તી વીજળીનો દાવો ખોટો છે. મુખ્ય પ્રધાને 200 યુનીટ ફ્રીની વાત કરી છે. અમે 600 યુનીટ સુધી રાહત આપવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે ટ્રાન્સકોઝ દ્વારા સબસિડી અપાશે. રાજ્યે ખાનગી કંપનીને શા માટે આપવી જોઈએ? ગ્રાહકોના માધ્યમથી આપવાની જરૂર હતી. અમે જાહેરાત કરી છે કે નાના દુકાનદારે 200 યુનીટ સુધી કમર્શિયલ ચાર્જ આપવો પડશે નહિ. ટ્યુબ વેલ માટે અમે ખેડૂતોને મફતમાં વીજળી આપીશું. દિલ્હીને આ બધાની જરૂર છે. અમે ખોટા વચનો આપતા નથી. અમે કહીએ તો કરી બતાવીએ. અમે અગાઉ તેવું કર્યું છે. એક સમય એવો હતો કે પાણી નહોતું મળતું, વીજળી નહોતી મળતી અને લોકો દેશની રાજધાનીમાં આવતા અચકાતા હતા. કોણે ફ્લાયઑવર્સ અને મેટ્રો બનાવ્યા, કોણ સીએનજી લાવ્યું, કોણે હોસ્પિટલો, શાળા અને પાંચ યુનિવર્સિટી બાંધી? અમે દિલ્હીને દુનિયાની સૌથી ઉત્તમ રાજધાની બનાવી હતી. આ બધું કોંગ્રેસ સરકારે કર્યું હતું. લોકો અને આશીર્વાદ આપશે તો અમે ફરી તેને ઉત્તમ શહેર બનાવી દઈશું.
પ્રશ્ન: કોંગ્રેસ સીએએ સામે વિરોધ કરે છે. તમે દાવો કરો છો કે કેજરીવાલ સીએએના વિરોધને ટાળી રહ્યા છે. શું આ દિલ્હીમાં ચૂંટણીનો મુદ્દો બની શકે છે?
- સીએએ રાષ્ટ્રીય મુદ્દો છે અને હા તેની અસર દિલ્હીમાં પણ થશે. સીએએ કોઈ એક કોમ માટે નથી, તે બધા નાગરિકોને સ્પર્શે છે અને દરેક નાગરિકને કાયદાનો વિરોધ કરવાનો અધિકાર છે. પણ દિલ્હીના વિદ્યાર્થીઓને પીટવામાં આવ્યા તે રીતે કરી શકાય નહિ. દિલ્હીના ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ હવે છેક સીએએનો વિરોધ કર્યો છે. પણ એક મહિનાથી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા અને તેમને મારવામાં આવી રહ્યા હતા ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાને કોઈ સહાનુભૂતિ બતાવી નહોતી. તેની સામે અમે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સાથે રાતભર રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ કેજરીવાલને પાઠ ભણાવશે.
પ્રશ્ન: તમને શું લાગે છે કે કેન્દ્ર સરકાર કેમ સીએએ લાવી?
- કેન્દ્રની ભાજપ સરકારે આર્થિક અને રોજગારી મોરચે નિષ્ફળતા પરથી ધ્યાન બીજે દોરવા સીએએ કાયદો કર્યો છે. અમે સંસદની અંદર અને બહાર બંને જગ્યાએ સીએએનો વિરોધ કર્યો છે. પણ અમે હંમેશા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને જ ટેકો આપ્યો છે. કોઈ પણ આંદોલનમં હિંસાને કોઈ સ્થાન ના હોય, નહિતો તેનાથી નુકસાન જ થશે. શાહીનબાગમાં આંદોલન પર બેઠેલી મહિલાઓ માટે મને ગૌરવ છે. આવી મહિલાઓ જોઈએ. હું તેમની સામે નતમસ્તક થાવ છું.