બીજા તબક્કાનું લક્ષ્યાંક ખુલ્લામાં શૌચનો અંત લાવી દેવાનું છે. ગ્રામીણ વિકાસની સ્ટેન્ડિંગ કમિટીએ હાલમાં જ દેશમાં જુદા જુદા રાજ્યોમાં ગંદા પાણીના નિકાલની શું સ્થિતિ છે તેનો અભ્યાસ કર્યો હતો. તેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. યુપી, બિહાર અને મધ્ય પ્રદેશમાં છેલ્લા અઢી વર્ષમાં આ માટે થયેલી ફાળવણીના 6,500 કરોડ રૂપિયા વપરાયા નથી. આંધ્ર પ્રદેશ, પંજાબ અને આસામમાં પણ વણવપરાયેલી ગ્રાન્ટને ધ્યાનમાં લેવામાં આવે તો આંકડો 14 હજાર કરોડ સુધી પહોંચી જાય છે.
સ્વચ્છ ભારતના પ્રથમ તબક્કાની નિષ્ફળતા માટે મુખ્ય પરિબળ તરીકે જવાબદારીની વહેંચણી યોગ્ય નહોતી તેમ સ્ટેન્ડિંગ કમિટીની તપાસમાં બહાર આવ્યું હતું. ઘણી બધી એજન્સીને જવાબદારી સોંપાઈ હતી. તેના બદલે યોગ્ય આયોજન થયું હોત તો વધારે સારું પરિણામ આવ્યું હોત.
કમસે કમ બીજા તબક્કામાં સ્વચ્છ ભારતનો હેતુ પાર પાડવો જોઈએ. ફાળવાયેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું રહ્યું. ગંદકી, ઉકરડાનો નિકાલ કરવા માટે ગામડામાં સત્યાગ્રહ જેવી ચળવળ ચાલવી જોઈએ. મક્કમ ઇરાદા સાથે દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવું જોઈએ. ખુલ્લી ગટરો અને ખુલ્લા ઉકરડાંને દૂર કરવા જોઈએ.
મોદી સરકારે બીજી ઑક્ટોબર 2014ના રોજ સ્વચ્છ ભારત અભિયાન ઉપાડ્યું હતું. સ્વચ્ચ ભારતનું સૂત્ર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુંજી ઉઠ્યું હતું, જેથી દેશના દરેક નાગરિકને સ્વચ્છ પર્યાવરણ મળે.
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ (બીજી ઑક્ટોબર, 2019) સુધીમાં દેશના બધા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળે, સ્વચ્છ રસ્તાઓ હોય, કાયમી શૌચાલયો બનેલા હોય અને ગટરના પાણીને ટ્રીટમેન્ટ કરવા માટેના એકમો લાગી ગયો હોય તે બહુ ઊંચો આદર્શ હતો. કેન્દ્ર સરકારે ગૌરવ સાથે તે લક્ષ્યાંક પાર પાડવાની વાત કરી હતી. 9 કરોડ 20 લાખ જાજરૂનું બાંધકામ કરીને 28 રાજ્યોના સાડા પાંચ લાખ ગામોમાં સ્વચ્છતા માટેની નેમ હતી. જોકે દેશના 95 ટકા લોકોને જાજરૂની સુવિધા મળવા લાગી છે તેવા કેન્દ્ર સરકારના દાવાને નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસે (NSO) સ્વીકાર્યો નહોતો.
NSOના અહેવાલમાં જણાવાયું હતું કે ગ્રામીણ વિસ્તારમાં 71 ટકા લોકોને જાજરૂની સુવિધા મળવા લાગી હતી. નેશનલ સેમ્પલ સર્વે સ્ટેસ્ટિક્સ સેન્ટર કહે છે કે ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં હજીય અડધો અડધ લોકોને જાજરૂની સુવિધા મળી નથી.
ભારતમાં સ્વચ્છતાના કારણે દર વર્ષે લાખો બાળકોનો ભોગ લેવાય છે. જોકે હવે પહેલાં કરતાં વધારે પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારમાં પણ લોકો જાજરૂ બનાવતા થયા છે અને જાહેર શૌચાલયની સુવિધા પણ ઊભી થવા લાગી છે.
આમ છતાં આજેય કરોડો ભારતીયોને આ પાયાની સુવિધા નથી મળતી તે વાસ્તવિકતા નકારી શકાય તેવી નથી. આવું પરિવર્તન ત્યારે જ આવી શકે જ્યારે વૈજ્ઞાનિક અભિગમ સાથે સ્વચ્છ ભારત માટેના પ્રયાસો વણથંભ્યા કરવામાં આવે. પાંચ વર્ષ પહેલાં બહુ ઉત્સાહ સાથે સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું હતું, પણ તેનો લાભ માત્ર 39 ટકા વસતિને જ મળ્યો છે તેમ સરકારી આંકડાં દર્શાવે છે.
સરકારે જાહેર કરેલાં શૌચાલયના આંકડાં અને વાસ્તવિકતામાં ઉપયોગમાં લેવાતા જાજરૂ વચ્ચે કોઈ મેળ નથી. વોટરએઇડ નામની સંસ્થાએ આઠ રાજ્યોમાં કરેલા અભ્યાસમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી. અભ્યાસમાં જણાવાયું હતું કે જાજરૂ બંધાઈ ગયા તેવું જાહેર કરાયું હતું, તેમાંથી ત્રીજા ભાગના જ સ્વચ્છતા અને સલામતીના ધોરણો અનુસાર હતા. 35 ટકા જાજરૂને સમારકામની જરૂર હતી અને બાકીના ઉપયોગ કરી ના શકાય તેવા હતા.
ચાર મુખ્ય રાજ્યોની 44 ટકા ગ્રામીણ વસતિએ ખુલ્લામાં જાજરૂ જવા સિવાય કોઈ વિકલ્પ નથી તેમ RICE (Research Institute for Compassionate Economics)ના એક અભ્યાસમાં બહાર આવ્યું હતું. સ્વચ્છ ભારત હેઠળ કરોડો જાજરૂ બનાવી દેવાયા, પણ તેના માટે જરૂરી પાણી ઉપલબ્ધ થયું નહોતું. તેના માટેની ડ્રેનેજ સિસ્ટમ પણ નહોતી. તેના કારણે કરોડો રૂપિયાનો વેડફાડ થયો હતો.
લોકોને જૂની આદતો છોડીને શૌચલયનો ઉપયોગ કરતાં કરવા અને તે માટેની જાગૃતિ ફેલાવવી તે સરકાર માટે એક પડકાર છે. આડેધડ લાખો જાજરૂ બનાવી દેવા અને પર્યાવરણને અનુકૂળ બાયો-શૌચાલયો બનાવવા માટેની ભલામણને ધ્યાને ના લેવી જેવી ભૂલો થઈ હતી, તે ફરી થવી જોઈએ નહિ. નાગરિકોને ભાગીદાર બનાવીને જ સ્વચ્છ ભારત બનાવી શકાશે.