કોરોના સંકટ વચ્ચે તમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધી કઈ?
રામ માધવઃ મોદી 2.0 સરકારની ઘણી સિદ્ધિઓ છે. ખેડૂતો અને ગરીબો માટે ઘણી કલ્યાણ યોજનાઓ છે. મહિલા, ગરીબો અને કામદારો માટે મોદી સરકારે ઘણી સામાજિક કલ્યાણની યોજનાઓ લાગુ દાખલ કરી છે. મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલાક અને ટ્રાન્સજેન્ડરને રાહત માટે કાયદા બદલ્યા, રાષ્ટ્રીય એકતા માટે કલમ 370 અને 35A નાબુદ કરી, નિરાશ્રીતો માટે નાગિરકતા સુધારા કાયદો લાવ્યા. અર્થતંત્રને પાંચ ટ્રિલિયનના આંક સુધી પહોંચાડવા ઘણા પગલાં લીધા છે.
ભારતીય અર્થતંત્ર પાંચ ટ્રિલિયનનું લક્ષ્ય હાંકલ કરી શકશે?
રામ માધવઃ આપણે પાંચ ટ્રિલિયન અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ. કોરોના વાઇરસને કારણે અર્થતંત્ર થોડું ધીમું પડ્યું છે. પણ વિશ્વભરમાં એવું થયું છે. સ્વાભાવિક છે કે શંકા થાય કે ભારત 2025 સુધીમાં પાંચ ટ્રિલિયનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે કે કેમ. પણ પહેલા મને કહેવા દો કે ભારત પાંચ નહિ, પણ 2030 સુધીમાં 10 ટ્રિલિયને પહોંચશે. વચ્ચે થોડો અવરોધ આવ્યો છે, પણ સરકાર પોતાના પ્રોજેક્ટ્સ અને પોલિસીને ઝડપી બનાવશે અને અવરોધો દૂર કરશે.
તમે માનો છો કે ચાઇનીઝ માર્કેટ ખતમ કરીને આત્મનિર્ભર થવાની સુવર્ણ તક ભારતને મળી છે?
રામ માધવઃ પ્રથમ સરકાર બની ત્યારથી જ વ્યાપક રીતે સ્વાવલંબી થવાની દિશામાં મોદી સરકાર આગળ વધવા લાગી હતી. સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના તેના માટે જ હતી. હવે કોરોના સંકટ વચ્ચે આપણને ખ્યાલ આવ્યો છે કે ઘણા ક્ષેત્રોમાં આપણે આગળ વધી શકીએ તેમ છીએ.
સ્વાવલંબી થવું તેનો અર્થ એવો નથી કે દુનિયાથી કપાઈને ઘરે બેસી જવું. તેઓ અર્થ એ કે આપણે પોતાના પગ પર ઊભા રહીએ અને સ્વદેશીના પાયા પરથી પાંચ ટ્રિલિયનના આંકે પહોંચી વિશ્વ ગુરુ બનીએ.
કાશ્મીરમાં શું ઓમર અને મહેબૂબા બે જ નેતાઓ છે? કલમ 370 અને 35A કે CAA લાવીને તમે ઇરાદાપૂર્વક વિવાદ કર્યો છે એવો આક્ષેપ વિપક્ષનો છે.
રામ માધવઃ વિપક્ષને તક મળી ત્યાં વિવાદો કર્યા છે, પણ હું તમને જણાવું કે જે પણ પગલાં લેવાયા છે તે રાષ્ટ્રહિતના છે. દેશની સલામતિ અને એકતા માટે છે. બીજું કે અમે કંઈ નવી વસ્તુ નથી કરી. પ્રથમથી જ અમારા પક્ષની વિચારધારા આ મુદ્દે સ્પષ્ટ હતી. કલમ 370માં અમે કશું નવું નથી કર્યું. અમે છેલ્લા 50 વર્ષોથી આ જ કહી રહ્યા હતા. વિપક્ષ તેનો વિરોધ કરવો હોય તો કરી શકે છે, પણ તેનો અર્થ એ નથી કે લોકોએ આ પગલાંઓને ટેકો નથી આપ્યો.
જમ્મુ અને કાશ્મીરમાં મૂડીરોકાણ માટે ઉદ્યોગોને રાહતો આપવામાં આવશે એવી વાતો છે.
રામ માધવઃ કલમ 370ની નાબુદી પછી જમ્મુ અને કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. બીજા રાજ્યો જેવી જ સ્થિતિ હવે જમ્મુ-કાશ્મીર માટે છે. જોકે હાલમાં જ ગૃહ મંત્રાલયે લોકોના હિતમાં ડોમિસાઇલ અંગેની નવી નીતિ દાખલ કરી છે.
ડોમિસાઇલ નીતિ એ પ્રથમ પગલું હતું. હવે તેના આધારે બીજી નીતિઓ તૈયાર થશે. અમે ઇચ્છીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં મૂડીરોકાણ આવે અને વિકાસ થાય, જેથી લોકોને રોજગારી મળે. અત્યાર તેનું અર્થતંત્ર કેન્દ્ર સરકાર પર જ આધારિત છે, પણ તે સ્થિતિમાં ત્યારે જ પરિવર્તન આવે, જ્યારે જમ્મુ અને કાશ્મીર સ્વાવલંબી બને અને વેપાર તથા ઉદ્યોગમાં પ્રગતિ થાય.
મોટા ભાગના રાજકીય નેતાઓ છોડી મૂકાયા છે ત્યારે તમને લાગે છે કે સામાન્ય સ્થિતિ લાવવા રાજકીય ગતિવિધિઓને પ્રોત્સાહન આપવું પડે?
રામ માધવઃ શું માત્ર બે જણ રાજકીય પ્રવૃત્તિઓ કરે? ત્યાં હજારો બીજા નેતાઓ છે. બીજા પક્ષના નેતાઓ પણ છે. કોંગ્રેસના એક પણ નેતા જેલમાં નથી. કોંગ્રેસ કેમ રાજકીય પ્રવૃત્તિઓ નથી કરતી? એનસી અને પીડીપીના થોડા નેતાઓને બાદ કરતાં બધા જ મુક્ત છે. તેઓ રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી શકે છે. આજે રાજ્યના લોકોએ પણ કલમ 370ની નાબુદીને સ્વીકારી લીધી છે.
માત્ર ભાજપના નેતાઓને બાદ કરીને બીજા કોઈ પણ નેતાઓ સેતુ સાધવાનું કામ નથી કરી રહ્યા. અમે તેમને અપીલ કરીએ છીએ કે ઘરમાંથી બહાર આવે અને રાજકીય ગતિવિધિઓ શરૂ કરે, જેથી રાજ્યની નવી ખુલેલી દિશામાં કામ કરી શકાય. રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓ ત્યાં થવી જોઈએ.
ઓમર અબ્દુલ્લા શાંત બેઠા છે. એવી ચર્ચા છે કે ભાજપ અને તેમના વચ્ચે કોઈ ડીલ થશે.
રામ માધવઃ હાલ માત્ર 24 રાજકીય નેતાઓ ડિટેન્ટશનમાં છે. સ્થિતિ સામાન્ય થશે એટલે તેમને પણ છોડાશે. અમારા પક્ષના કાર્યકરો જમ્મુ વિસ્તારમાં સક્રિય છે જ. અમે કાશ્મીર ખીણના લોકોમાં પણ કેન્દ્રવર્તી બનવા કોશિશ કરીશું.
અત્યાર સુધી લોકો નેશનલ કૉન્ફરન્સની દયા પર હતા. હવે સ્થિતિ બદલાઈ છે. ભારતીય જનતા પક્ષ જેવો રાષ્ટ્રીય પક્ષ લોકોની વચ્ચે જઈને ખીણમાં રાજકીય ગતિવિધિનું કેન્દ્ર બનવા પ્રયત્ન કરશે. હાલમાં ગઠબંધન માટેના અમારા કોઈ પ્રયાસો નથી.
સિમાંકન પછી જમ્મુ વિસ્તારમાં બેઠકો વધે તેવી શક્યતા છે ખરી?
રામ માધવઃ 2006માં સીમાંકનની પ્રક્રિયા ચાલુ થઈ તે પૂર્ણ થઈ શકી નહોતી. નવા કાયદા પ્રમાણે છ બેઠકો વધારવામાં આવી છે. સંસદના આધારે નવી પ્રક્રિયા કરવાની છે. નવા સીમાંકનમાં જમ્મુને કેટલી બેઠકો મળશે અને અન્યને કેટલી તે વિચારવાનું છે. સીમાંકન પંચે આ કામ કરવાનું છે એટલે જોઈએ કે જમ્મુને કેટલી અને બીજા પ્રદેશોને કેટલી બેઠકો મળે છે.
'પાયાવિહોણા સમાચાર પર આધાર રાખશો નહિ, ચીન આંતરિક સમસ્યાઓને કારણે આક્રમક બન્યું છે'
રામ માધવઃ ભારત અને ચીન વચ્ચે 3,500 કિમી જેટલી સરહદ છે. તેમાં કેટલીક જગ્યાએ કાયમ તંગદિલી રહી છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ચીને એક્ચુઅલ લાઇન ઑફ કન્ટ્રોલનો 1,000 વાર ભંગ કર્યો હશે. રોજેરોજ એવું થતું રહે છે. આ વખતે ચીન વધારે આક્રમક દેખાય છે. આ વખતે સોશ્યલ મીડિયામાં બહુ વીડિયો અને મેસેજ ફરે છે. સરકારના સત્તાવાર નિવેદન સિવાય તેમાં વિશ્વાસ કરવો જોઈએ નહિ. દાખલા તરીકે કોઈએ કહ્યું કે ચીનના દળો ભારતીય સરહદમાં 25 કિમી સુધી આવ્યા. આપણે નજર રાખીને બેઠા છીએ, તેથી આવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ નહિ.
'આપણે એક ઇંચ પણ નહિ હટીએ'
રામ માધવઃ મોદી સરકાર આવી છે ત્યારે સરહદ મામલે ઘણું બદલાયું છે. હવે સરહદ મામલે કોઈ સમસ્યા આવે ત્યારે ઉકેલ ડિપ્લોમસીથી લાવવા કોશિશ થાય છે. પણ આપણે એક ઇંચ હટીશું નહિ. આપણી સેના મક્કમ થઈને ઊભી છે. દોકલામમાં પણ આવું જ થયું હતું. આજે પણ મક્કમ ઊભા છીએ. છેલ્લા 40 વર્ષો એક પણ વાર ગોળીબાર થયો નથી. આપણે યુદ્ધ ઇચ્છતા નથી, પણ આપણે જમીન મામલે સમાધાન કરીશું નહિ. આપણે ડિપ્લોમસીથી વાત કરીશું. લદાખમાં પણ આ જ નીતિ છે. બીજા સમાચારો પર ભરોસો ના કરો.
શું ચીન કોરોના સંકટનો ફાયદો લઈ રહ્યું છે?
રામ માધવઃ ચીન વારંવાર આક્રમકતા દાખવે છે અને તેના આંતરિક કારણો હોય છે. ભારત ક્યારેય આક્રમક બનતું નથી. આપણે હંમેશા શાંતિથી સરહદને સાચવીએ છીએ. આપણે ઉશ્કેરણી કરતાં નથી, પણ ચીન કરે છે. આવું થાય ત્યારે સમજવાનું કે ચીનમાં આંતરિક સમસ્યાઓ છે. ચીનની નેતાગીરી પર અત્યારે બહારથી દબાણ છે. અમેરિકાનું દબાણ છે. હોંગ કોંગમાં સમસ્યા છે. તાઇવાન સાથે સમસ્યા છે. ચીનની અંદર કોરોના વાઇરસના મુદ્દે લોકોમાં અસંતોષ છે.
આ સ્થિતિનો લાભ પાકિસ્તાન ઉઠાવી શકે?
રામ માધવઃ પાકિસ્તાન સાથેની સરહદે પણ આપણી નજર છે. પાકિસ્તાન સતત ત્રાસવાદી ઘૂસણખોરી માટે પ્રયાસો કરી રહ્યું છે. ઉનાળો બેઠો છે અને જૂન, જુલાઇ અને ઑગસ્ટ સુધી આ ચાલશે. આ મહિનામાં ઘાટના માર્ગ ખુલ્લા થાય છે. આપણી સેના સાવધાન છે. એક જ દિવસમાં સેનાએ 14 ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. અને આપણે પાકિસ્તાનને આનો કોઈ ફાયદો લેવા દઈશું નહિ.જમ્મુ અને કાશ્મીરના લોકો ત્રાસવાદીઓને સમર્થન આપતા નથી. લોકોને પણ શાંતિ જોઈએ છે. આપણે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરીશું. પાકિસ્તાનને કોઈ તક મળવાની નથી.
'કોરોના વાઇરસના સમયે પણ દરેક યોજના કે મુદ્દા પર વિપક્ષ એક રહ્યો નથી'
રામ માધવઃ આ આપણી કમનસીબી છે. વિપક્ષ અમને સહકાર આપતો નથી.
રાહુલ ગાંધી અને બીજા વિપક્ષી નેતાઓ ભારતની છાપ ખરડાવા તૈયાર થયા છે. કોરોના સંકટ વચ્ચે શ્રમિકોની સમસ્યા પણ છે. શું કેન્દ્ર સરકાર એકલી લડી રહી છે? શું આ લડતમાં રાજ્ય સરકારો પણ નથી? શું આમાં કોંગ્રેસી સરકારો નથી? મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા કોંગ્રેસશાસિત રાજ્યોમાંથી અડધોઅડધ માઇગ્રન્ટ લેબર જતા રહ્યા છે. શું તેના પર રાજકારણ કરવું જોઈએ?
આપણે 130 કરોડ લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરવું જોઈએ. વિપક્ષ માત્ર નકલી રાજકારણ કરી રહ્યું છે. કોઈ મદદ નથી કરાતી તેમ કહેવું ખોટું છે. માઇગ્રન્ટ શ્રમિકોના મુદ્દે સૌથી વધુ નિષ્ફળતા મહારાષ્ટ્ર અને બંગાળની સરકારની રહી. આપણે સાથે મળીને લડતા આપવી પડે.
'પ્રવાસી શ્રમિકો પરનું રાજકારણ કમનસીબ છે'
હવે ભાજપે રાજકીય પ્રવૃત્તિ શરૂ કરી છે. તમે પ્રવાસી શ્રમિકોની સમસ્યા વિશે ના વિચાર્યું તેથી તેમણે પરેશાન થવું પડ્યું.
રામ માધવઃ લૉકડાઉન વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે અર્થહિન અને હાસ્યાસ્પદ છે. તે વખતે લૉકડાઉન કરવો અનિવાર્ય હતો. જો ના કર્યું હોત અમેરિકાની સ્થિતિ ઇટાલી અને અમેરિકા કરતાં ખરાબ હોત. આપણે સમયસર કડક લૉકડાઉન લાગુ કર્યો. તે પછીના ત્રણ અઠવાડિયે આરોગ્ય ક્ષેત્રમાં અમે ઘણી તૈયારીઓ કરી. આપણી પાસે ટેસ્ટિંગ કિટ નહોતી, પીપીઈ નહોતા. આપણે શ્રમિકોને ખાતરી આપવી જોઈતી હતી.
અમારે કહેવાની જરૂર હતી કે અમે તમારી પરેશાનીઓ દૂર કરીશું. બાય ધ વે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેમનું કામ કર્યું જ છે. એનજીઓએ મદદ કરી. આરએસએસ અને બીજી સંસ્થાઓએ મદદ કરે. બીજું એક જાણી લો કે ભારતમાં 8 કરોડ પ્રવાસી શ્રમિકો છે. તેમાંથી 70-90 લાખ જ પોતાના વતનના રાજ્યમાં ગયા છે. તેઓ પણ ના જાય તેવા આપણા પ્રયત્નો હોવા જોઈતા હતા.
કમનસીબે કેટલાક લોકો ચિંતા અને ભયને કારણે ગયા. પરંતુ તેમની સંખ્યા વધી તે સાથે અમારે ટ્રેનોની વ્યવસ્થા કરી. તમે કહો જો અમે જાહેરાત કરી હોત કે ચાર દિવસ પછી લૉકડાઉન છે તો બધા લોકો ધસી ગયા હોત. તે પછી સ્થિતિ અનિયંત્રિત બની ગઈ હોત.