લેહ: ચીનનો સામનો કરવા માટે ભારત લદ્દાખ સેક્ટરમાં 30,000 વધારાના સુરક્ષા દળો તૈનાત કરી રહ્યું છે. આ સાથે, ભારતીય સેનાએ ચીનના આક્રમક વલણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઠંડીનો સામનો કરવા સેનાએ હજારો ટેન્ટની ખરીદીનો ઓર્ડર આપ્યો છે.
LAC પર સૈન્યની લાંબા ગાળાની તૈનાતીને ધ્યાનમાં રાખીને ટેન્ટની જરૂરિયાત અનુભવાઈ હતી. સશસ્ત્ર દળના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે, ચીન સાથે સંઘર્ષ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી રહી શકે છે.
સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીની સેના પીછેહઠ કરે તો પણ ચીન પર ભરોસો કરી ન શકીએ. જેથી અમે આવનારી ઠંડીને ધ્યાનમાં રાખીને પૂર્વી લદ્દાખ સેક્ટરમાં હજારો ટેન્ટ લગાવવાના ઓર્ડર આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે સરહદ પર હથિયારો અને દારૂગોળો સિવાય અમારું મુખ્ય ધ્યાન સૈનિકોને વધુ સારી રીતે રહેવાની સુવિધા પૂરી પાડવાનું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચીની સેના પહેલાથી જ ટેન્ટ તૈયાર કરી રહી છે. અમારી પાસે સિયાચીન ગ્લેશિયરમાં સમાન તંબુ છે, તેમાંથી કેટલાક લદ્દાખ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ હજી પણ આવા ટેન્ટની મોટી સંખ્યામાં આવશ્યકતા છે.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે સુરક્ષા દળો માટે શસ્ત્રો, દારૂગોળો અને અન્ય વસ્તુઓની સપ્લાય માટે 500 કરોડનો ઇમરજન્સી ફંડ બહાર પાડ્યું છે. સરહદ પર તણાવ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો હતો.