દિલ્હીઃ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા સોફી અને વિદા નામક 2 ડૉગ (શ્વાન)ને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’નું મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ બન્ને ડૉગ વિવિધ ઓપરેશનમાં સેના સાથે જોડાયેલા હતા અને ભારતીય જવાનોનો સાથ આપ્યો હતો. આ ઉપરાંત અનેક ઓપરેશન પાર પાડવામાં આ બન્ને શ્વાને મહત્વની ભૂમિકા ભજવી છે.
સોફી નામના ડૉગે દિલ્હીમાં મોટા પ્રમાણમાં RDXનો જથ્થો ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને દિલ્હીમાં મોટી જાનહાની સર્જાય તે પહેલા જ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પણ ‘મન કી બાત’ કાર્યક્રમમાં શ્વાનનો ઉલ્લેખ કર્યો
- તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે સવારે 11 વાગ્યે પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સેનાના બહાદુર શ્વાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આપણે જ્યારે 15મી ઑગસ્ટના દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે એક રસપ્રદ સમાચાર પર મારું ધ્યાન ખેચાયું હતું. આ સમાચાર ભારતીય સેનાના બે શ્વાનના હતા. તેમાંથી એકનું નામ સોફી અને બીજાનું નામ વિદા છે.’
- તેમણે વધુમાં જણાવ્યું કે, સોફી અને વિદા પોતાના દેશની સેવા કરી અને પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવ્યા બદલ તેમને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’થી સન્માનિત કરવામાં આવ્યા છે.