નવી દિલ્હી: ભારતીય સૈન્યને લદ્દાખમાં ચીની સૈન્ય પર નજર રાખવા માટે સ્વદેશી બનાવટનું ડ્રોન 'ભારત' આપવામાં આવ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા આ ડ્રોન બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન પૂર્વ લદ્દાખમાં LAC પર સચોટ દેખરેખ રાખવમાં મદદ કરશે.
મળતી માહિતી મુજબ ભારતીય લશ્કરને પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવાદમાં સચોટ દેખરેખ માટે ડ્રોનની જરૂર છે. આ આવશ્યકતાને પૂર્ણ કરવા માટે DRDOએ સૈન્યને "ભારત" ડ્રોન આપ્યું છે. DRDOની ચંડીગઢ સ્થિત પ્રયોગશાળામાં "ભારત" ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રોનને વિશ્વના સૌથી ચુસ્ત અને લાઇટવેઇટ સર્વેલન્સ ડ્રોન તરીકે સૂચિબદ્ધ કરી શકાય છે. આ ડ્રોન સંપૂર્ણપણે સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે.
DRDOના સૂત્રોએ જણાવ્યું કે 'આ એક નાનું અને શક્તિશાળી ડ્રોન છે અને કોઈપણ સ્થળે ખૂબ જ ચોકસાઈથી કાર્ય કરે છે. આ ડ્રોનમાં અત્યાધુનિક તકનીક સાથે યુનિબોડી બાયોમિમેટીક ડિઝાઇન સર્વેલન્સ મિશન છે. તે જાણી શકે છે કે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન, જોકે દુશ્મનોને શોધવા માટે ડ્રોન કૃત્રિમ ઇન્ટેલીજેન્સથી સજ્જ છે અને તે મુજબ કાર્યવાહી કરી શકે છે.