ન્યૂઝ ડેસ્કઃ ભારત સરકારે આ મહામારીની ગતિ ધીમી પાડવા માટે સાવચેતીના ભાગ રૂપે વધુ એક પગલાની દરખાસ્ત કરી છે. nCoVનો ફેલાવો અટકાવવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર સ્થળો પર તમાકુના ઉપયોગ (મોંહ વાટ અને ધૂમ્રપાન) પર પ્રતિબંધ મૂકવા માટે તમામ રાજ્યો સરકારોને કહ્યું છે. બિહાર, ઝારખંડ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, નાગાલેન્ડ અને આસામ આ નિર્દેશોનો પહેલેથી અમલ કરી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે બાકીના રાજ્યોને પણ આ નિર્દેશનું પાલન કરાવવા આગળ આવવા આદેશ કર્યો છે.
ગ્લોબલ એડલ્ટ ટોબેકો સરવેના એક અંદાજ મુજબ, ઉત્તર પ્રદેશની 24 કરોડની વસતીમાંથી 5.3 કરોડ લોકો તમાકુનું કોઇને કોઇ સ્વરૂપમાં સેવન કરે છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસના એક અભ્યાસ મુજબ, સિગરેટ અને બીડીનો વપરાશ ઘટ્યો છે જ્યારે ખૈની (15.9 percent), ગુટખા (11.5) સોપારી (10.2) અને પાન મસાલા (7.2)નો વપરાશ વધ્યો છે.
તમાકુની આ ચાવી શકાય તેવી બનાવટો ફેફસા, સ્વાદુપીંડ અને એસોફેગીલ કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરે છે. તમાકુ ચાવતા લોકો પર કોવિડ-19નું સૌથી વધુ જોખમ હોય છે તેમાં કોઇ બેમત નથી. જ્યારે કોવિડ-19ના દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે બહાર આવ્યું કે ધૂમ્રપાન કરતા લોકોને ન્યૂમોનિયા થવાનું જોખમ 14 ગણુ વધુ હોય છે. માટે આપણા નીતી નિર્ધારકોએ તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઇએ !
15 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે સરકારોને જાહેર આરોગ્ય પ્રત્યે તેમની જવાબદારીઓ યાદ દેવડાવી હતી. પરંતુ સરકારોને આલ્કોહોલ અને તમાકુમાંથી મોટા પ્રમાણમાં ટેક્સની આવક થાય છે. તેથી તેમણે સુપ્રીમ કોર્ટની સલાહની દરકાર ના કરી અને પોતાના નાગરિકોના જીવ જોખમમાં મુક્યા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો અહેવાલ જણાવે છે કે ભારતમાં દર વર્ષે 85,000 પુરુષો અને 35,000 મહિલાઓને મોંઢાનું કેન્સર થાય છે જેમાંથી 90 ટકા લોકો તમાકુનું સેવન કરતા હતા. સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરતા રાજ્ય સરકારોએ ચાવી શકાય તેવી તમાકુની બનાવટો જેમકે, ખૈની, જર્દા અને ગુટખા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ માત્ર કાગળ પર જ રહ્યો હતો તેથી 2016માં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર રાજ્ય સરકારોને જાહેર આરોગ્ય સંભાળ પ્રત્યે તેમની જવાબદારી યાદ દેવડાવી હતી. વર્તમાન લૉકડાઉન દરમિયાન ડ્રોન મારફતે પાનમસાલાના ઓર્ડર આપવાના કિસ્સા બહાર આવ્યા તેના પરથી અંદાજ લગાવી શકાય કે તમાકુનું વ્યસન કેટલું વ્યથિત કરનારું છે.
કાનપુર તમાકુની બનાવટોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે અને એકલું કાનપુર જ સમગ્ર ભારતને 100થી વધુ બ્રાન્ડની ગુટખા પૂરી પાડે છે. ધુમ્રપાન કરતા લોકો અને તમાકુ ખાતા લોકોમાં ટીબી અને ન્યૂમોનિયાનું જોખમ વધુ હોય છે. આવા લોકો જો nCoVથી સંક્રમિત થશે તો તેમનું આરોગ્ય વધુ લથડશે. વધુ બીમારીનું કોઇ પણ જોખમ અટકાવવા માટે સરકારે લૉકડાઉન દરમિયાન તમાકુના ઉપયોગ પર હંગામી પ્રતિબંધ મુકવા ઉપરાંત તમાકુનું વાવેતર પણ અટકાવવું જોઇએ. તમાકુના ખેડૂતોને જ્યારે અન્ય વૈકલ્પિક પાક તરફ વાળવામાં આવશે ત્યારે જ આ દેશ શુદ્ધ હવા લઇ શકશે !