મુલાકાતની તારીખો કે સ્થળ પર કોઈ પુનર્વિચાર ચાલી રહ્યો છે કે કેમ તેવા પ્રશ્નો માધ્યમો દ્વારા વારંવાર પૂછાવા છતાં અત્યાર સુધી વિદેશ ખાતાએ મૌન જાળવી રાખ્યું છે. દરમિયાનમાં નવી દિલ્હી ખાતે જાપાનનું દૂતાવાસ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. એક વરિષ્ઠ જાપાનીઝ રાજદ્વારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું, “અમને યજમાન દ્વારા કરાયેલી વ્યવસ્થા પર વિશ્વાસ છે.”
મોદી અને અબેએ છેલ્લે બેંગકોકમાં ‘આસિયાન’ શિખર મંત્રણાની સાથોસાથ ગત નવેમ્બરમાં મંત્રણાઓ કરી હતી. પ્રથમ વખત બંને દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનોની બેઠક બે વત્તા બેના સ્વરૂપમાં પણ ગયા સપ્તાહે યોજાઈ હતી જેમાં પ્રાપ્તિ અને સામસામે સેવા સમજૂતી (એસીએસએ) પર વાટાઘાટમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ હતી. બંને પક્ષો વર્ષ ૨૦૧૮માં એસીએસએ પર ઔપચારિક વાટાઘાટ શરૂ કરવા સંમત થયા હતા જે ભારતની સેના અને જાપાનના સ્વ સંરક્ષણ દળ (જેએસડીએફ)ને ભારતની યુએસ અને ફ્રાન્સની જેમ જ થયેલી સમજૂતીની ઢબે સામાનની હેરફેરના ટેકા માટે એકબીજાના લશ્કરી અડ્ડાનો ઉપયોગ કરવા છૂટ આપે છે.
દરમિયાનમાં, વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ ભારતના પૂર્વ રાજદૂત રાકેશ સૂદ સાથે ભારત-જાપાન મંત્રણાઓ, એસીએસએ અને આ ક્ષેત્રમાં ચીન પરિબળના મહત્ત્વ પર વાત કરી હતી. મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે.
ભારત-જાપાન સંરક્ષણ સહકારમાં વૃદ્ધિ- પૂર્વ રાજદૂત રાકેશ સૂદ
મોદી અને અબે વચ્ચે મંત્રણાના સ્થળ તરીકે ગુવાહાટીની પસંદગીનું શું મહત્ત્વ છે?
રાકેશ સૂદ- આંશિક રીતે આ વડા પ્રધાન મોદીએ અપનાવેલી કૂટનીતિની ઢબ છે. પહેલી વાર જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ ભારત આવ્યા ત્યારે તેઓ ગુજરાતમાં હતા અને સાબરમતીની મુલાકાત લીધી હતી. બીજી વાર તમિલનાડુમાં અનૌપચારિક શિખર મંત્રણા યોજી હતી. વડા પ્રધાન મોદીએ ભૂતકાળમાં અબેને વારાણસીમાં આવકાર્યા હતા. તો, તેઓ દિલ્લીની બહાર નીકળવાનું પસંદ કરે છે કારણકે દિલ્લી દેશની રાજધાની હોવાથી તેનું વાતાવરણ સંકુચિત છે. આ બંનેનું પ્રતિબિંબ છે- જાપાનના ઈશાન ભારતમાં મૂડીરોકાણનું અને વડા પ્રધાન મોદીની કૂટનીતિની વધુ વ્યક્તિગત ઢબ તરફના અભિગમનું.
ભારતની ‘પૂર્વ પર કાર્ય કરો’ નીતિ અને જાપાનની ભારત-પ્રશાંત રણનીતિના નજીક આવવાને તમે કેવી રીતે જુઓ છો?
રાકેશ સૂદ -આપણે વિદેશ અને સંરક્ષણ પ્રધાનોને સાંકળતો પહેલો બે વત્તા બેનો સંવાદ કર્યો. આ તેનું આધુનિકરણ છે. અગાઉ વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ તેમજ જાપાન તરફથી ઉપ પ્રધાન સ્તરની વાતચીત થતી હતી. હવે, તેને કેબિનેટ સ્તરે ઊંચે લઈ જવાઈ છે. આપણે જોયું છે કે સંયુક્ત કવાયત પર વધુ ધ્યાન અપાય છે જે પહેલાં નૌ સેના પૂરતી સંયુક્ત કવાયત રહેતી હતી, પરંતુ હવે આપણે ભૂમિ દળ (આર્મી) અને વાયુ સેનાની પણ સંયુક્ત કવાયત જોઈએ છીએ. આપણે સંભાવનાઓને જોઈ રહ્યા છીએ, જાપાનની સંરક્ષણ ક્ષેત્રે કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી તે અંગે નિયંત્રણ કરતા તેના પોતાના કાયદાઓ છે, પરંતુ થોડા સમયથી તેમાં કંઈક છૂટછાટ થયેલી છે. કંઈક સંયુક્ત સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) પ્રૉજેક્ટની સંભાવના પણ છે જેની સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગિતા હોય. આપણે કોઈક ઉભયચર (જળ અને જમીન બંને પર ચાલતા) યુએસ-બે જેવા યાનની ખરીદી માટે વાટાઘાટો કરી રહ્યા છીએ. પૂરી શક્યતા છે કે જો તે વાટાઘાટો ફળદાયી નિવડશે તો એ પહેલી વાર હશે કે આપણને જાપાન તરફથી યંત્રસામગ્રી મળશે. આ દિશામાં ક્રમશઃ પગલાં મંડાઈ રહ્યાં છે. તમારે જાપાનના મુક્ત અને ખુલ્લા ભારત-પ્રશાંત પર ધ્યાનની સાથે ‘પૂર્વ પર કામ કરો’ની નિકટતા જોવી પડશે.
જ્યારે એસીએસએ પૂરી થશે ત્યારે ભારતને જિબુટીમાં જાપાનના મથકમાં પ્રવેશ મળશે તો બીજી તરફ જાપાન દરિયાઈ સ્વ સંરક્ષણ દળ (જેએમએસડીએફ)ને હિન્દ મહાસાગરમાં આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારતીય સેનાના મથકોમાં પરવાનગી મળશે. આ સમજૂતી કેટલી મહત્ત્વની રહેશે?
રાકેશ સૂદ-જો જાપાની જહાજો કે હોડીઓ કે નૌ સેનાનાં વિમાનો હિન્દ મહાસાગરમાં આવી રહ્યાં હોય તો દર વખતે સામાનની હેરફેરની સમજૂતી પર વાટાઘાટ કરવાના બદલે સારું એ રહે કે આપણી પાસે કાર્યમાળખું હોય અને તે લાગુ થાય. આથી જો જાપાનનાં જહાજો અને વિમાનો હિન્દ મહાસાગરમાં આવતાં હોય અને આપણાં વિમાનો જાપાનના સમુદ્રમાં, જાપાનના પૂર્વીય સમુદ્ર બંદરે જઈ રહ્યાં હોય, તો આપણે અમેરિકા અને ફ્રાન્સ સાથે જે રીતની કાયમી સમજૂતી કરી છે તે પ્રકારની સમજૂતી વધુ યોગ્ય રહે.
ભારત જાપાન પાસેથી ઉભયચર વિમાનો ખરીદવાની મંત્રણા કરી રહ્યું છે. જાપાનની પરમાણુ નીતિ પર વિશ્વ યુદ્ધના ઓછાયા રહેલા છે ત્યારે આ મંત્રણા માટે જાપાનમાં આંતરિક પરિદૃશ્યમાં પરિવર્તન કેટલું જરૂરી રહેશે?
રાકેશ સૂદ-આ જાપાન માટે લાંબા સમયથી રહેલો આંતરિક મુદ્દો છે. જાપાનમાં ખૂબ જ મજબૂત શાંતિપ્રિયતા રહેલી છે પરંતુ મને લાગે છે કે વડા પ્રધાન અબેને અનુભૂતિ થઈ છે કે ૧૯૪૫થી જે સ્થિતિથી જાપાન માર્ગદર્શિત થયું છે તેના પર તેણે પુનર્વિચાર કરવાની જરૂર છે. અમેરિકાએ જાપાનને હરાવ્યું હતું અને તેના પર કબજો પણ જમાવ્યો હતો. આથી તે વખતે આ ખાસ શાંતિપ્રિયતા સંરચના તેના પર લાદવામાં આવી હતી. તે પછી જાપાનને અમેરિકાની સુરક્ષા છત્રી હેઠળ જીવવાનું સુવિધાજનક લાગ્યું. આજે અમેરિકાના ઘણા સાથીઓ પણ અમેરિકાની સુરક્ષા છત્રી સામે પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આથી, વડા પ્રધાન અબે જાપાનના સ્વ સંરક્ષણ દળોની સહજ વધુ અલગ ભૂમિકા જોવા માગે છે ત્યારે તેઓ પરિસ્થિતિનો કયાસ કાઢી રહ્યા છે.
શું ભારત અને જાપાન આજે ચીનના મજબૂત હરીફ તરીકે એકબીજાને જુએ છે?
રાકેશ સૂદ-તે વધુ જટિલ છે. જાપાન અને ભારત બંને માટે ચીન સૌથી મોટો વેપાર ભાગીદાર પણ છે. ચીનમાં જાપાનનું વિદેશી મૂડી રોકાણ અન્ય કોઈ પણ દેશ કરતાં વધુ છે. જાપાન પહેલો દેશ હતો જેણે છેક ૧૯૮૦ના દાયકાથી ચીનમાં મૂડીરોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં જાપાની કંપનીઓ ત્યાં ગઈ હતી જેના પછી દક્ષિણ કોરિયાઈ અને તે પછી અમેરિકી કંપનીઓ ત્યાં ગઈ. આથી ન તો જાપાન કે ન તો ભારત, એ હકીકતની અવગણના કરી શકે કે ચીન સાથે ચોક્કસ આર્થિક એકીકરણ છે જે વાસ્તવકિતા છે. સાથે જ જાપાનની ચીન સાથે વણઉકેલ દરિયાઈ સીમાનો પ્રશ્ન પણ છે. ભારતને પણ ચીન સાથે જમીન સીમાનો વિવાદ છે અને બીજો વિવાદ પાકિસ્તાન સાથે ચીનનું નિકટનો સંરક્ષણ મિસાઇલ અને પરમાણુ સહકારનો છે. ચીને કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરી છે જે બંને દેશો માટે સુરક્ષાની ચિંતારૂપ છે. આપણે એ જોવાનું રહેશે કે આપણએ સાથે કેટલી શ્રેષ્ઠ રીતે કામ કરી શકીએ અને કયા પ્રકારની રાજકીય નિકટતા કામ લાગશે પરંતુ આ કોઈ પ્રકારનું સૈન્ય જોડાણ નહીં હોય કારણકે જાપાન અમેરિકાનું સાથી હજુ છે જ.