શ્રીનગર: ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોની યાદમાં બનાવેલા સ્મારકનું શુક્રવારે લેથપુરા શિબિરમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉચ્ચ અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
ગુરૂવારે સ્મારક સ્થળની મુલાકાત લીધા પછી સીઆરપીએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઝુલ્ફિકાર હસને જણાવ્યું કે, આ સ્મારક બનાવવા પાછળનો હેતુ હુમલામાં જીવ ગુમાવનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
સ્મારકમાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા શહીદ સૈનિકોના નામ સાથે તેમના ફોટા હશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નું સૂત્ર 'સેવા અને નિષ્ઠા' પણ આ સ્મારકમાં લખાયેલુ હશે.
જનરલ ઝુલ્ફિકાર હસને જણાવ્યું કે, આ એક દુઃખદ ઘટના હતી, અમે આ ઘટનામાંથી શીખ મેળવી છે. અમે માર્ગ પરિવહન કરતી વખતે હંમેશા સાવચેત રહેતા હતા. હવે અમારી સાવચેતી વધી ગઈ છે. 40 સૈનિકોની સર્વોચ્ચ બલિદાનથી દેશના દુશ્મનોને ખતમ કરવાનો અમારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે.
આ સ્મારક એ સ્થળ નજીક સીઆરપીએફ કેમ્પની અંદર બનાવવામાં આવ્યું છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી આદિલ અહમદ વિસ્ફોટકોથી ભરેલી કારમાં સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાયો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા છે.