જીટીયુને નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન અંતર્ગત એવોર્ડ તરીકે પ્રાપ્ત થયેલી રકમમાંથી ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિપ્રોમાં બે દાયકા સેવા આપનાર ટેકનોલોજી નિષ્ણાત વિજયકુમાર ઈવાતુરીને બોલાવવામાં આવ્યા હતા. વિપ્રોમાં સીટીઓ તરીકે સેવા આપી હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને બિગ ડેટાની કંપની સ્થાપનાર વિજયકુમારે સ્થાપેલી કંપની સિંગાપોરમાં મુખ્ય મથક અને ચેન્નાઇમાં ડેવલપમેન્ટ સેન્ટર ધરાવે છે. ઈનોવેશન મેનેજમેન્ટમાં તેઓ ત્રણ દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે લેટેસ્ટ ટ્રેન્ડ અને ટેકનોલોજી વિશે એવી આગાહી કરી હતી કે વર્ષ 2020થી ઇન્ટરનેટ ઓન થિંગ્સના આગમન બાદ ફાઈટર પ્લેન, સંદેશાવ્યવહારની સિસ્ટમ, વાયરલેસ નેટવર્ક, સ્માર્ટફોન અને અન્ય ઉપકરણો,ડેટા વિશ્લેષણ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવી બાબતોમાં ધરખમ ફેરફારો જોવા મળશે. અગાઉ જે બંધ હતું તે હવે ખુલશે. એક જમાનામાં હાર્ડવેર બંધ રહેતું અને સોફ્ટવેરમાં ફેરફારો કરી શકાતા,પણ હવે સોફ્ટવેર બંધ રહેશે અને હાર્ડવેર ખુલે તેમજ તેમાં ફેરફારો કરી શકાય એવો જમાનો આવશે.
તેમણે પોતાના અનુભવોના આધારે સ્ટાર્ટ અપના વિદ્યાર્થીઓને ઉપયોગી ટીપ્સ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા દેશમાં મિત્રો અથવા પરિવારજનો પાસેથી ભંડોળની સહાય મેળવીને સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતો હોય છે. હકીકતમાં આવા કેસોમાં પાર્ટનરશીપ એગ્રીમેન્ટ, ઇન્વેસ્ટર એગ્રીમેન્ટ અને કર્મચારીઓ માટેના મેન્યુઅલ જેવી બાબતોનું પણ ઘણું મહત્વ હોય છે. મે આ બધી બાબતોને મારા પુસ્તકમાં આવરી લીધી છે.
વિદ્યાર્થીઓને સલાહઃ
- ·સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલા ડિઝાઇન થીંકીંગ તેમજ બજારના ટ્રેન્ડ અને માગનું વિશ્લેષણ કરીને એવું બિઝનેસ મોડલ વિકસાવવુંજોઈએ કે જે વર્તમાન ટેકનોલોજીથી અનેક ગણો આગળનો વ્યુહ ધરાવતો હોય. આવા ડેટાના આધારે માર્કેટિંગ વ્યૂહરચના ઘડી કાઢવી જોઈએ. આ ડેટાનુ વિશ્લેષણ કરીને તેની અસરો વિશે નિર્ણય લેવો જોઈએ.
- ·જૈસી ચાહ વૈસી રાહઃ જેવા વિચારો કરશો,જેવા કાર્યો કરશો, એવું પામશો.
- ·તમારી પ્રોડક્ટ કે સેવા કઈ રીતે ઇનોવેટિવ છે અને તેનું મૂલ્ય બજારમાં મળતી સેવા કે પ્રોડક્ટ કરતા કઈ રીતે બહેતર છે તે તમારે પુરવાર કરવું પડે.
- ·તમારી કંપનીના ભાગીદારો અલગ-અલગ ફિલ્ડના હોય તો તમને બિઝનેસ ચલાવવામાં વધુ આસાની રહેશે.તમારા સલાહકાર કે મેન્ટર ભાગીદાર કે રોકાણકાર ના હોવા જોઈએ
- ·ફક્ત સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ શરૂ કરીને એના એકલાના ભરોસે બેસી રહેવું એ બરાબર નથી. મોટાભાગના સ્ટાર્ટ અપ ભંડોળને અભાવે નિષ્ફળ જાય કે ખતમ થઇ જાય છે.
જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠેકહ્યું હતું કે મિસાઇલ ગુરૂ કલામની જન્મજયંતિ પ્રસંગે ગત વર્ષે યોજવામાં આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં જીટીયુને શ્રેષ્ઠ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ વિકસાવવા માટે બીજું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તે રકમમાંથી કલામ મેમોરિયલ લેક્ચર સિરીઝ યોજવામાં આવે છે. વિજયકુમારે આપેલી ટિપ્સ વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહેવાની છે.જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોનું પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર થાય તેના માટે વિદ્યાર્થીઓને સઘન તાલીમ ઉપરાંત કો-વર્કીંગ સ્પેસ અને ભંડોળ પણ પૂરૂં પાડે છે. જીટીયુ તરફથી67સ્ટાર્ટ અપને ઈન્ક્યુબેશન આધાર અને તાલીમ આપવામાં આવી છે, જેમાંકુલ41 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને રૂ.1.3કરોડની સહાય આપવામાં આવી છે.