નવી દિલ્હી: સરહદ પર ચીનની હરકતો અને સૈનિકોની શહાદત મુદ્દે ભારતદેશમાં દરેક લોકો ચીન સામે ભડકયા છે. આમ આદમી પાર્ટી (AAP)ની તમામ 70 વિધાનસભાઓએ દિલ્હીમાં ચીન સામે આક્રોશ દર્શાવ્યો હતો. પાર્ટીના મુખ્યાલયમાં આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા દિલ્હીના પ્રદેશ સંયોજક ગોપાલ રાય હાજર રહ્યા હતા.
અહીં પાર્ટીના મુખ્યાલયના ગેટ પર તમામ 20 શહીદ સૈનિકોના ફોટો લગાવવામાં આવ્યા છે. ગોપાલ રાયે સૌ પ્રથમ શહીદ સૈનિકોના ફોટા પર પુષ્પાંજલી અર્પી હતી. ત્યાર પછી, તેઓ ચીન સામે સૂત્રો લખેલા બોર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવા આગળ આવ્યા હતા. આ સમયે ગોપાલ રાય સાથે અનેક લોકો જોડાયા હતા. તેઓ બધા ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન ઇટીવી ભારત સાથેની વાતચીતમાં ગોપાલ રાયે કહ્યું કે, ચીન જે રીતે આપણા સૈનિકો પર પાછળથી હુમલો કર્યો, જેનો દેશભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે અને અમે ઇચ્છીએ છીએ કે, કેન્દ્ર સરકાર તેની સામે કડક કાર્યવાહી કરે. ગોપાલ રાયે એમ પણ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છે. જોકે, ગોપાલ રાયે કેન્દ્ર સરકાર પર સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 19 જૂનના રોજ મળેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, આપણી સરહદ સંપૂર્ણ સલામત છે અને ત્યાં કોઈ પ્રકારનું ચીની અતિક્રમણ થયું નથી. આ અંગે ગોપાલ રાયે કહ્યું કે મને લાગે છે કે, સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ સ્પષ્ટપણે સત્ય દેશ સમક્ષ મૂકવું જોઈએ. ગોપાલ રાયે પણ માગ કરી હતી કે, તમામ શહીદોને એક કરોડ રૂપિયા આપવામાં આવે.