નવી દિલ્હીઃ રાજધાનીમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી આગળ વધી રહી છે. શનિવારના રોજ 2505 નવા કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે હવે દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 97,200 થઇ છે. દિલ્હીમાં કોરોનાને કારણે મરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 55 લોકોના મૃત્યું નિપજ્યાં છે, જ્યારે અગાઉનાં મૃત્યુંના 26 કેસ પણ નોંધાયા છે. એટલે કે એક જ દિવસમાં દિલ્હીમાં કોરોનાથી 81 લોકોના મૃત્યું થયા છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 3004 લોકોના મોત થયા છે. કોરોનાને કારણે થતા મૃત્યુ દરની વાત કરીએ તો હવે તે મૃત્યુ દર 3.09 ટકા છે.
જો કે કોરોનાના સતત વધી રહેલા કેસ તેમજ તેનાથી સતત થઇ રહેલા મોતની સાથે સાથે મોટી સંખ્યામાં કોરોનાને લોકો હરાવી પણ રહ્યાં છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2632 દર્દીઓ સ્વસ્થ થયા છે. ત્યારે હવે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા કુલ 68,256 થઇ છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધવાને કારણે દિલ્હીમાં રિકવરી રેટ પણ વધીને 70.22 ટકા પર પહોંચી ગયો છે. કોરોનાના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 25,940 એક્ટિવ દર્દીઓ છે જેમાથી 16,004 દર્દીઓ પોતાના ઘરોમાં હોમ આઇસોલેશનમાં છે.