નવી દિલ્હી: હવામાન વિભાગે જણાવ્યું છે કે, 18 મે સુધીમાં અમ્ફાનની ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં બદલવાની આશંકા છે. 20 મેની સાંજ સુધીમાં અમ્ફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનો દરિયાકિનારો પાર કરી શકે છે.
શનિવારે રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) એ પણ આ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે તેવા સંભવિત ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સમિતિએ આ બંને રાજ્યોને તાત્કાલિક મદદ પ્રદાન કરવા સૂચના આપી છે.કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં બનેલી સમિતિની બેઠકમાં બંગાળની ખાડીમાં મંડારાઈ રહેલા ચક્રવાત માટેની તૈયારીની સમીક્ષા કરી હતી. કેબિનેટ સેક્રેટરીએ હાલની પરિસ્થિતિ અને રાહત કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તાત્કાલિક મદદ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો હતો.
બેઠક દરમિયાન, રાજ્ય સરકારોના સંબંધિત અધિકારીઓએ ચક્રવાતી તોફાનને કારણે ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારીની પુષ્ટિ કરી હતી.
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (NDRF), સશસ્ત્ર દળ અને ભારતીય કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકારી અધિકારીઓને સંકલન કરવાનું કહેવામાં આવ્યું છે.
ગૃહ, સંરક્ષણ મંત્રાલયો તેમજ ભારતીય હવામાન વિભાગ અને NDRFના વરિષ્ઠ અધિકારીઓ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. મુખ્ય સચિવો અને રાજ્ય સરકારોના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો.
અગાઉ શનિવારે સવારે ચક્રવાત પશ્ચિમ બંગાળના દિખાથી દક્ષિણ-પશ્ચિમના 1,220 કિ.મી.ના અંતરે હતો. શનિવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 19 મી મેથી ભારેથી ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
પ્રાદેશિક હવામાન વિભાગના નિયામક જી.કે.દાસે જણાવ્યું હતું કે, નીચા દબાણનો વિસ્તાર રવિવારની સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અને 17 મે સુધીમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે.
પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 24 પરગના, કોલકાતા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, હાવડા અને હુગલીમાં 19 મે અને 20 મેના રોજ ભારે વરસાદ થવાની સંભાવના છે. જેથી બંગાળ-ઓડિશા દરિયાકિનારો અને ઉત્તર બંગાળની ખાડી નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે અને સમુદ્રમાં રહેલા લોકોને 17 મે સુધી દરિયાકાંઠે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારમાં પવન 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પછી 19 મેની બપોરથી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની અપેક્ષા છે. 20 મેની સવારે પવનની ગતિ 75 થી 85 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.