નવી દિલ્હીઃ ભારતીય તબીબી સંશોધન પરિષદ(ICMR) અને સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19નું પરીક્ષણ વધારવા કહ્યું છે. જેના માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની પદ્ધતિઓ સંબંધિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ પ્રીતિ સુદન અને ICMRના મહાનિદેશક બલરામ ભાર્ગવે 17 જુલાઈએ સંયુક્ત પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 પરીક્ષણની સંભાવનાને વધારવાનું કહેવામાં આવ્યું છે. તેમજ પત્રમાં જણાવાયું છે કે, વધુ કોવિડ-19 પરીક્ષણ પ્રયોગશાળાઓ અને માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓની હાલની પરીક્ષણ ક્ષમતાને મજબૂત કરીને પરીક્ષણ ક્ષમતામાં વધારો કરી શકાય છે.
વધુમાં પત્રમાં કહેવાયું છે કે, દેશમાં કોવિડ-19 પરીક્ષણને મજબૂત કરવા માટે એક રણનીતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગો તથા કેન્દ્ર સરકાર હેઠળ આઈસીએમઆર, ડીબીટી, ડીએસટી અને ડીએસઆઈઆર જેવા વૈજ્ઞાનિક એકમો સાથે મળી પ્રયાસ કરવાની આવશ્યક્તા છે.