અંબાલા: ભારતીય વાયુસેનામાં પાંચ રાફેલ ફાઇટર જેટને ગુરૂવારે અંબાલા એરફોર્સ બેઝ પર ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન આયોજિત સમારોહમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ફ્રાન્સના રક્ષા પ્રધાન ફ્લોરેન્સ પાર્લી અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાફેલ વિમાનને વાયુસેનામાં સામેલ કરવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ફ્રાસંના રક્ષાપ્રધાન ફલોરેંસ પાર્લી સર્વધર્મ પૂજામાં સામેલ થયા હતા. અંબાલા એરબેઝ ખાતે ફ્લાઇપોસ્ટ દરમિયાન રાફેલ ફાઇટર એરક્રાફ્ટે ધીમી ઝડપે ઊડીને એર ડિસ્પ્લે કર્યું હતું. રાફેલ ફાઇટર જેટ્સને વોટરકેનન સેલ્યૂટ પણ કરવામાં આવ્યું હતું.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે રાફેલ ઇંડક્શન સમારોહમાં સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, "રફાલને એરફોર્સમાં શામેલ કરવો એ એક એતિહાસિક ક્ષણ છે. આ પ્રસંગે હું આપણી શસ્ત્ર દળ સહિત તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.ભારત અને ફ્રાન્સ વચ્ચે એક વ્યૂહાત્મક ભાગીદારી છે જે સમય જતાં મજબૂત થઈ રહી છે.રાફેલ ઇન્ડક્શન એ સમગ્ર વિશ્વ માટે એક ખાસ અને મજબૂત સંદેશ છે, ખાસ કરીને તે લોકો માટે કે જેઓ આપણી સાર્વભૌમત્વની દેખરેખ રાખે છે. તાજેતરના સમયમાં, આપણી સરહદો પર તણાવનું વાતાવરણ રહ્યું છે, આવા સમયે, આ સમાવેશ મહત્વપૂર્ણ છે. મારી તાજેતરની વિદેશ યાત્રામાં, મેં ભારતની દ્રષ્ટિ દુનિયા સમક્ષ મૂકી છે. મેં દરેકને કોઈ પણ સંજોગોમાં મારી સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન નહીં કરવાના મારા સંકલ્પથી પરિચિત કર્યા હતા. અમે આ માટે શક્ય તેટલું બધું કરવા કટિબદ્ધ છીએ."
રાજનાથ સિંહ પછી ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પેર્લી રાફેલ ઇન્ડક્શન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે," આજનો દિવસ આપણા બન્ને દેશો માટે એક સિદ્ધિ છે. સાથે મળીને આપણે ભારત-ફ્રાંસના સંરક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય લખી રહ્યા છીએ.અમે 'મેક ઇન ઈન્ડિયા' પહેલ તેમજ ભારતીય ઉત્પાદકોને આપણા વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એકીકૃત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. ફ્રાન્સ યુએન સુરક્ષા પરિષદમાં ભારતની ઉમેદવારીને સમર્થન આપે છે."