નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ટોચના કમાન્ડરોએ શુક્રવારે ત્રણ દિવસીય વિચાર-વિમર્શ પરિષદના અંતમાં દેશના હવાઈ શક્તિને આગામી 10 વર્ષ માટે વધારવા માટેનો બ્લુપ્રિન્ટ તૈયાર કર્યો હતો. આ સમય દરમિયાન, ઉત્તર અને પશ્ચિમી મોરચા પર પ્રતિકૂળ પરિસ્થિતિઓ સહિતના કોઈપણ ખતરા સામે લડવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ આ વિશે જણાવ્યું હતું.
વાયુસેનાના કમાન્ડરોએ પૂર્વ લદ્દાકમાં ચીન સાથેના સરહદ વિવાદ, રાષ્ટ્ર સમક્ષ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પડકારો અને ભારતના પાડોશમાં જટિલ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિની વિગતવાર ચર્ચા કરી હતી.
સમાપન સંબોધનમાં, એરફોર્સ ચીફ આર.કે.એસ. ભદોરિયાએ સમર્પિત ક્ષમતા નિર્માણ, સેવામાં તમામ વસ્તુ તૈનાત કરવા તેમજ ખૂબ જ ટૂંકા સમયમાં નવી તકનીકના અસરકારક સંકલન પર ભાર મૂક્યો હતો.
સંમેલનમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ સંબોધન કર્યું હતું.