ચંડીગઢઃ પંજાબમાં ભારતીય વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ક્રેશ થયું છે. નવાંશહર જિલ્લાના ચુહાડપુરમાં શુક્રવારે મિગ 29 ક્રેશ થયું હતું. રાહતની વાત એ છે કે, પાયલટે પ્લેન ક્રેશ થવા પહેલા પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે, પાયલટ એમ કે પાંડેટની હાલત ગંભીર છે અને તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
મિગ 29ના ક્રેશ થવાની માહિતીથી આસપાસના ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ જિલ્લા અને પોલીસ પ્રશાસનના અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાયુસેનાએ આ ઘટના અંગે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે છે.
ગ્રામીણોએ આગનો મોટો ગોળો પડતા જોયો હતો
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, લગભગ 11 કલાકની આસપાસ આકાશમાંથી આગનો ગોળો પડતા જોયો હતો. લોકો ખેતર તરફ ગયા અને જોયું તો એક વિમાન પડેલું હતું અને વિસ્ફોટ થઇ રહ્યો હતો. વિસ્ફોટના કારણે ખેતરમાં આગ પણ લાગી હતી.