નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પરિવહન વિમાન ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે રવાના થઈ ગયું છે.
ઈરાનમાં કોરોના વાયરસના કારણે 200થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે અંદાજે 6 હાજર લોકો અસરગ્રસ્ત છે. ત્યાં અંદાજીત 2000 ભારતીય નાગરિક છે.
કોરોના વાયરસના કારણે ઈરાનમાં ભારતીય વિદ્યાર્થી સહિત અનેક લોકો ફસાયા છે. જેમને પરત લાવવા માટે આ વિમાનને ઈરાન મોકલવામાં આવ્યું છે.
આ દરમિયાન વિદેશ પ્રધાન એસ.જયશંકરે દિવસ દરમિયાન શ્રીનગરની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે, ફસાયેલા લોકોને ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે.
કોરોના વાયરસથી અસર ગ્રસ્ત દેશોમાં સામેલ ઈરાનથી ભારતીયોને પરત લાવવા માટે ત્યાંની સરકાર સાથે ભારત સરકાર વાતચીત કરી રહીં છે. આ સાથે જ આ વાયરસથી શંકાસ્પદ અસર ગ્રસ્ત 300 ભારતીયની લાળના નમૂના લઇને તેહરાનથી એક વિમાન ગત શુક્રવારે દિલ્હી આવ્યું હતું.