હરિયાણા : પાનીપતમાં સનૌલી ખુર્દમાં રહેતી એક મહિલાને તેના પતિએ લગભગ દોઢ વર્ષ સુધી શૌચાલયમાં બંધ રાખી હતી. આ દરમિયાન તેની સાથે મારપીટ કરવામાં આવી અને જમવાનું પણ માત્ર નામનું જ આપવામાં આવતું હતું. મહિલા સુરક્ષા અધિકારીએ જ્યારે તેને બહાર કાઢી ત્યારે તેણે સૌ પ્રથમ જમવા માટે રોટલી માંગી હતી.
સંરક્ષણ અધિકારી રજની ગુપ્તાને ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ તે પોલીસ સાથે મહિલાના ઘરે પહોંચી હતી. જ્યારે આરોપી પતિને તેની પત્ની વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પહેલી મંઝિલ પર શૌચાલયનો દરવાજો ખોલી તેની પત્નીને બતાવી. મહિલાની હાલત દયનીય હતી. મહિલાનું આખું શરીર ગંદકીથી ઢંકાયેલું હતું. તેની માનસિક સ્થિતિ પણ ઘણી ખરાબ હતી.
જ્યારે આરોપી પતિને આ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, તેની પત્નીની હાલત ખરાબ છે. તે કપડામાં શૌચ ક્રિયા કરતી હતી. તેના કારણે તેણે પત્નીને શૌચાલયમાં બંધ કરી હતી. આસપાસના પડોશીઓને પૂછ્યા બાદ જાણવા મળ્યું કે, તેનો પતિ તેને ત્રાસ આપતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે આ મહિલાને 3 બાળકો છે. પરંતુ તે પણ આટલા લાંબા સમય સુધી મૌન રહ્યા. હાલ પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધ્યો છે.