ન્યૂઝ ડેસ્ડ: ચીનની સરકાર ફેસિયલ રેકગ્નિઝેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિભાજનવાદી અને આંદોલનકારી નેતાઓની આવજા પર નજર રાખે છે. કાયદાના ભંગ બદલ તેમને પકડી પાડીને જેલ હવાલે કરી દે છે. આ રીતે સરકારો અવાંચ્છિત તત્ત્વોની માહિતી મેળવીને તેમના માટે સ્થિતિ મુશ્કેલ બનાવી દે છે. આ રીતે નાગરિકો પર સરકાર નજર રાખવામાં આવે તેની સામે ચિંતા પ્રગટી છે. તેથી ભારતની સુપ્રીમ કોર્ટ સહિત વિશ્વના ઘણા દેશોમાં નાગરિકોના ખાનગીપણાના અધિકારને માન્ય રાખવામાં આવ્યો છે. 107 દેશોએ નાગરિકોની માહિતીની સુરક્ષા માટે કાયદો પસાર કર્યો છે. તેમાં સૌથી સારામાં સારો કાયદો યુરોપિયન યુનિયનનો (EU) ગણાયો છે.
ભારતમાં 6 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે અને 8 કરોડ મોબાઇલ ફોન છે, પણ દેશમાં નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા માટેનો કોઈ અસરકારક કાયદો નથી. આ ખામી નિવારવા માટે કેન્દ્રના પ્રધાનમંડળે શ્રીકૃષ્ણ સમિતિએ કરેલી ભલામણ પ્રમાણે ખરડો તૈયાર કર્યો છે. કેન્દ્રના આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે ગત વર્ષે 11 ડિસેમ્બરે સંસદમાં આ ખરડો રજૂ કર્યો છે. હવે પછીના સત્રમાં તેના પર વિગતે ચર્ચા થશે અને તે પછી કાયદો બનશે. ખરડામાં ગ્રાહકોની અંગત માહિતી મેળવવી, સ્ટોર કરવી અને પ્રોસેસ કરવી તે વિશે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
ડિજિટલ ઇન્ડિયાનો પાયો
આ ડેટા સિક્યુટિરીટ બિલમાં જણાવ્યા અનુસાર કંપની કે કોઈએ પણ વ્યક્તિની અંગત માહિતી લેતા પહેલાં તેની મંજૂરી લેવી જરૂરી છે. આજે અંગત માહિતી પર જ ડિજિટલ અર્થતંત્ર ચાલી રહ્યું છે, ત્યારે તે કિમતી બની ગઈ છે. અંગત માહિતીને અગત્યની, સંવેદનશીલ અને સામાન્ય એવી રીતે વિભાગોમાં વહેંચવામાં આવી છે.
ગ્રાહકોની નાણાંકીય, આરોગ્ય અને જૈવિક માહિતીને તથા રાજકીય અને ધાર્મિક માન્યતાઓની માહિતીને સંવેદનશીલ ગણાવવામાં આવી છે. આ પ્રકારની માહિતીને માત્ર ભારતની ભૂમિ પર જ સ્ટોર કરવી જરૂરી છે. વિદેશમાં તેના પર પ્રોસેસ કરતાં પહેલાં આગોતરી અને સ્પષ્ટ મંજૂરી જરૂરી બનાવાની જોગવાઈ છે.
દેશ વિશેની માહિતીને અગત્યની માહિતી ગણાવાઈ છે. સરકાર સતત જુદી જુદી માહિતીને અગત્યની માહિતી તરીકે જાહેર કરતી રહી છે. આવી માહિતીને પણ માત્ર ભારતમાં જ સ્ટોર કરવી જરૂરી છે અને માત્ર ભારતમાં જ તેના પર પ્રોસેસ કરી શકાય છે. આ સિવાયની સામાન્ય પ્રકારની વિગતો હોય તેને વિદેશમાં સ્ટોર કરીને તેના પર પ્રક્રિયા કરી શકાય છે.
ગ્રાહકની મંજૂરી વિના કંપનીઓ તેમની માહિતીનો ઉપયોગ કરશે તો તેમના પર આંતરરાષ્ટ્રીય ટર્નઓવરના 4 ટકા અથવા 15 કરોડ રૂપિયાનો દંડ થશે. બિનસત્તાવાર રીતે માહિતી મેળવી લેવી અને જાહેર કરવી તેના પર આંતરરાષ્ટ્રીય ટર્નઓવરના 2 ટકા અથવા પાંચ કરોડનો દંડ ફટકારાશે. બાળકોની માહિતી મેળવનારી કંપનીઓએ તેમના માતાપિતા કે વાલીની મંજૂરી લેવાની રહેશે. બાળકની ઉંમર કેટલી છે તેની ખાતરી કરવી કંપનીએ જરૂરી છે. બાળકો માટેની સર્વિસ આપતી કંપનીઓ તેમની પ્રવૃત્તિઓનું મોનિટરિંગ કરી શકશે નહિ. બાળકોની ટેવ કે તેમના સ્વભાવ વિશેની માહિતી એકઠી કરી લે પ્રકારની ટેક્નોલૉજી વાપરવા સામે ખરડામાં મનાઈ કરવામાં આવી છે.
જોકે કંપનીઓ પર નાગરિકોની માહિતી લેવા માટે પ્રતિબંધો ખરડામાં મૂકવામાં આવ્યા છે, પણ સરકારને આ બાબતમાં છુટ આપવામાં આવી છે. જાહેર હિત ખાતર અને દેશના સાર્વભૌમની રક્ષા કાજે સરકાર નાગરિકોની મંજૂરી વિના તેમની માહિતી એકઠી કરી શકે છે અને તેનું વિશ્લેષણ કરી શકે છે એવી જોગવાઈ ખરડામાં કરવામાં આવી છે. આવી માહિતી માટે સરકાર ઇન્ફર્મેશન સિક્યુરિટી એજન્સીની રચના કરશે.
નાગરિકોની માહિતીની સુરક્ષા માટેનો આ ખરડો બે ધારી તલવાર જેવો છે. એક તરફ તેના કારણે ભારતીયોને પોતાની અંગત બાબતો ખાનગી રાખવાની તક મળશે, બીજી બાજુ કેન્દ્ર સરકારને આ નીતિનો ભંગ કરીને કોઈની પણ માહિતી એકઠી કરી લેવાની સત્તા મળી જશે.
વસ્તુઓના વેચાણમાં, રોકણની આપલેમાં, શિક્ષણ, તાલીમ, સરકારી તંત્ર, સેના તથા અન્ય બધા પ્રકારની વેપારઉદ્યોગની પ્રવૃત્તિઓમાં ઓનલાઈન સિસ્ટમ લોકપ્રિય બની રહી છે. તેવા સંજોગોમાં ડિજિટલ ઇન્ડિયામાં માહિતીને સુરક્ષિત રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે. તેના માટેનો પાયો નાખવા માટે જ કેન્દ્ર સરકારે આ ખરડો તૈયાર કર્યો છે.
ઓનલાઇન બિઝનેસ માટે આ ખરડો માર્ગદર્શિકા સમાન બનશે, પરંતુ તેના કારણે ગૂગલ, ફેસબૂક, વૉટ્સઅપ, બાઇટડાન્સ, ટ્વીટર અને ટિકટૉક જેવી કંપનીઓ માટે નવા પડકારો પણ ઊભા થશે. ભારતીયોની માહિતીના ઉપયોગ સામે તેમના પર પ્રતિબંધો મૂકાશે. ગૂગલ ઓનલાઇન જાહેરખબર દ્વારા જ ભારતમાંથી વર્ષે 100 અબજ ડૉલર કમાય છે. દર મહિને 21.7 કરોડ લોકો ફેસબૂક જુએ છે. ભારતમાં 40 કરોડથી વધુ લોકો વૉટ્સઅપ વાપરે છે. આ બધી કંપનીઓની જવાબદારી બનશે કે તેઓ પોતાના ગ્રાહકોની માહિતીની સુરક્ષા કરે. સોશ્યલ મીડિયામાં અફવાઓના કારણે 30 જેટલા લોકોની હત્યા થઈ હતી તેનો ઉલ્લેખ કરીને આ બાબતમાં સાવધાની માટેની વાત પણ ખરડામાં કરવામાં આવી છે.