ન્યૂઝ ડેસ્ક: એક તરફ કોરોના રોગચાળા દ્વારા દેશ પર હુમલો થઈ રહ્યો છે અને બીજી તરફ કુદરતી આપત્તિઓ ઘેરી વળી છે. ભારે વરસાદ અને પૂર પણ આસામ, મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્લી સહિત અન્ય સ્થાનોને ભારે નુકસાન કરી રહ્યાં છે. ગત મહિને ભારે વરસાદે આસામમાં ભારે વિનાશ સર્જ્યો હતો. દેશની રાજધાની મુંબઈમાં આ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદથી નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં જેના કારણે પરિવહન અને જનજીવન ઠપ થઈ ગયું હતું.
ચોવીસ કલાકની અંદર ૨૦૦ મિમી વરસાદ નોંધાયો હતો જે છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી વધુ છે. આ મહિને આઠમી તારીખે કેરળના ઇડુક્કી જિલ્લામાં વરસાદના કારણે ચાના બગીચાનાં કામદારોનાં ઘરોમાં ભૂસ્ખલનોના કારણે અનેક જીવ ગયા છે. એ ચિંતાની વાત છે કે ચોમાસામાં સંપત્તિનું ભારે નુકસાન અને દેશના અલગ-અલગ ભાગોમાં નુકસાનના કારણે પૂરને અટકાવવા અને તેનાથી નુકસાનને અટકાવવા અગમચેતીનાં કોઈ પગલાં લેવાઈ નથી રહ્યાં.
વાર્ષિક રિવાજ!
ભૂતકાળમાં પૂર આપત્તિ પ્રબંધનના તમામ પ્રયાસો ગામો પર કેન્દ્રિત થતા હતા. હકીકતે, નગરો અને શહેરોને નુકસાન અને ગામોને નુકસાનના પ્રકારમાં ફેર નદીઓનાં પાણી છલકાઈ જવાના કારણે છે. ઝડપી શહેરીકરણના કારણે વરસાદના પાણીનો કુદરતી પ્રવાહ અયોગ્ય આયોજન અને અનધિકૃત માળખાંઓના કારણે અવરોધાય છે અને વરસાદના પાણીનો સંગ્રહ કરવાના સંસાધનો ઘટતાં જઈ રહ્યાં છે. આના પરિણામે જ્યારે પણ ભારે વરસાદ આવે છે અને વાદળ ફાટે છે ત્યારે પૂરની તીવ્રતા આઠ ગણી વધી જાય છે જેના પરિણામે પાણીના જથ્થામાં છ ગણો વધારો થાય છે. આથી અનેક દિવસો સુધી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલાં રહે છે.
મુંબઈ, કેરળ અને દિલ્લીમાં પૂર આવવાનું કારણ આ જ છે. અત્યારે ચિંતા એ વાતની છે કે શહેરોમાં પૂરના કારણે ચેપી રોગચાળો ફાટી નીકળી શકે છે! આસામમાં તાજેતરનાં પૂરમાં મોટા પાયે હૉસ્પિટલનો કચરો વહી ગયો હતો, જેમાં નિકાલ કરાયેલી પીપીઇ કિટ અને કૉવિડ કાળજી કેન્દ્રોમાંથી કચરાનો સમાવેશ થાય છે- તેના કારણે અર્ધડૂબેલા વિસ્તારોમાં લોકોમાં ભય ફેલાઈ ગયો. મહાનગરોના વિસ્તારોમાં અને શહેરોમાં આજે પૂરનું મુખ્ય કારણ દાયકાઓ જૂની ગટર પ્રણાલિ અને ખરાબ જાળવણી છે.
ડ્રેનેજ પાઇપમાં કચરો સાફ ન થાય અને ભંગાર ભેગો થતો જાય તો તેના લીધે રસ્તા પર ભારે પૂર આવવાનાં જ છે, પછી ભલે થોડો જ વરસાદ પડે. શહેરોમાં પૂરનું બીજું મોટું કારણ ગેરકાયદે બાંધકામ છે.
દેશભરનાં તમામ શહેરો અને નગરોમાં આ ગેરકાયદે માળખાં વરસાદના પાણીના મુક્ત પ્રવાહમાં મુખ્ય અવરોધ બની ગયાં છે. ઝડપી શહેરીકરણની ખરાબ અસર, શહેરોમાં તળાવ અને પાણીનાં સંસાધનો પર અતિક્રમણ, નિષ્પ્રભાવી ડ્રેનેજ પ્રબંધન વગેરેના રૂપે થાય છે. તેના કારણે પરિસ્થિતિ વધુ બગડતી જાય છે. દર વર્ષે પૂર અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. તેના ભયને ટાળવા માટે ગટર અને પૂરના પાણીની કેનાલો પર અતિક્રમણ ઘટાડવું જોઈએ. દર વર્ષે ચોમાસું શરૂ થાય તેના ઘણા વખત પહેલાં,આધુનિક ટૅક્નૉલૉજીની મદદથી ડ્રેનેજ નાળાને ખોલીને સાફ કરાવાં જોઈએ અને જામ થતાં અટકાવવાં જોઈએ.
ગટરના પાણીના પ્રવાહને સુધારવો જોઈએ
સેટેલાઇટના ડેટાની મદદથી દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વહેતા પૂરનાં પાણીની માત્રાની ગણતરી કરીને અને ગટર અને પૂરના ડ્રેનેજની પ્રણાલિ પર તેની અસરનું આકલન પૂરની તીવ્રતાનું નિયંત્રણ કરી શકાય છે. જ્યાં સુધી વરસાદનું પાણી જમીનમાં ઉતારવાનું સુનિશ્ચિત નહીં કરાય ત્યાં સુધી કોઈ પણ પ્રયાસ વ્યર્થ જવાનો છે. જો આપણે પાણીને એક-એક ટીપાનો સંગ્રહ કરી શકીએ અને તેને જમીનમાં ઉતારી શકીએ તો આપણે પૂરને અટકાવી શકીશું અને ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું લાવી શકીશું. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દર વર્ષે પૂરની સમસ્યા છતાં આપણે તેનું નિયંત્રણ કરવા અસરકારક કાર્ય યોજનાનો અમલ કરવામાં અસમર્થ નિવડીએ છીએ. હડપ્પાની સભ્યતા જે હજારો વર્ષ પહેલાં ફૂલીફાલી હતી તેણે જે આયોજિત ગટર પ્રણાલિનો અમલ કર્યો હતો તેમાંથી આ પદાર્થ પાઠો શીખવાના છે. ગટર અને ફૂલનાં પાણીના પ્રબંધનમાં વિશ્વના દેશો દ્વારા જે શ્રેષ્ઠ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ અપનાવાય છે તેને અહીંની સ્થિતિ મુજબ અપનાવવી જોઈએ અને તેનો અસરકારક અમલ થવો જોઈએ. સંબંધિત શહેરો અને નગરોની વસતિ અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગટર અને પૂરના પ્રબંધનની યોજનાઓ ઘડી કાઢવી જોઈએ. વધુમાં, તળાવો અને પાણીનાં સંસાધનો પર અતિક્રમણ અને પૃથ્વી પર અંધાધૂંધ રીતે થતાં ખોદકામને અટકાવવું જોઈએ. ત્યારે જ શહેરો અને નગરોમાં પૂરનું નિયંત્રણ કરવા માટે સક્ષમ બનશે અને લોકોનું જીવન ધોરણ આરામદાયક બનશે.