હૈદરાબાદઃ માર્ચ મહિનામાં પ્રારંભિક રૂ. 1.7 લાખ કરોડના પ્રોત્સાહન પેકેજ બાદ આરબીઆઇ દ્વારા તરલતા (લિક્વિડિટી)નાં પગલાં અને હવે, રૂ. 20 લાખનું પ્રોત્સાહન પેકેજ ભારતીય અર્થતંત્રને બેઠું કરવામાં મદદરૂપ નીવડી શકે છે. વિપુલ પ્રમાણમાં લેબર ફોર્સ સાથે વિશ્વની પાંચમા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ભારત બજારોની ગહનતા અને કદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે છે. 27 વર્ષની સરેરાશ વય સાથે ભારત આશરે 900 મિલિયનની ‘વર્કિંગ એજ’ (કાર્યશીલ વય ધરાવતી) વસ્તી ધરાવે છે.
વેપાર
ભારતે એક વખત કોવિડ-19 મહામારીના ઓછાયામાંથી બહાર નીકળી આવ્યા પછી નિકાસ શરૂ કરવાના સાતત્યપૂર્ણ પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્લાનમાં વૈશ્વિક બજાર હિસ્સો પ્રાપ્ત કરવા માટે ગુણવત્તાયુક્ત સામગ્રી તથા સલામતીના પાલન ક્ષેત્રે સુધારો કરીને અવેજીકરણ પર ભાર મૂકીને ખાસ કરીને ચીનમાંથી આયાતની નિર્ભરતા ઘટાડવાનો સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ચીને અવકાશ સર્જ્યો હોય તેવાં ક્ષેત્રો માટે રણનીતિ તૈયાર કરવા માટે જૂથો સ્થાપવા વિચારણા કરી રહ્યું છે. વાણિજ્ય વિભાગે હાથ ધરેલા વિશ્લેષણ અનુસાર, આગામી ત્રણ મહિનામાં અથવા પ્રથમ તબક્કામાં મેડિકલ ટેક્સટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક અને રમકડાં જેવાં ક્ષેત્રોમાં નિકાસને વેગ આપી શકાય છે, જ્યારે બીજા તબક્કાની નિકાસમાં આગામી છ મહિનામાં ઝવેરાત-આભૂષણો, ફાર્માસ્યુટિકલ્સ અને સ્ટીલનો સમાવેશ થાય છે.
વ્યવસાય
કોવિડ-19 બાદ, સ્થાનિક અને વિદેશી કંપનીઓનાં મોટાં રોકાણો મેળવવાનું કાર્ય પડકારજનક બનશે. સ્થાનિક રોકાણકારો સામે પોષણક્ષમતાની સમસ્યા છે, સ્થાનિક સ્તરે ગણ્યા-ગાંઠ્યા ઉદ્યોગપતિઓ જ વિશાળ લાંબા ગાળાનાં રોકાણો કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારતની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ઉપર પણ ધરખમ ખોટનું જોખમ તોળાઇ રહ્યું છે. આ ભય વધુને વધુ મોટો થવા સાથે ઘણાં લોકો છટણી અથવા પગાર ઉપર કાપનો અમલ કરી રહ્યા છે. 10-20-50 મિલિયનનું કદ ધરાવતાં સ્ટાર્ટ-અપ્સે ખર્ચ પર કાપ મૂકવો પડશે. આ વ્યવસાયમાં કર્મચારીઓની છટણી એ ખર્ચ પરનો મુખ્ય કાપ છે.
હેલ્થ કેર
દેશનું સંરક્ષણ બજેટ હેલ્થકેર બજેટ કરતાં ઘણું વધારે છે. 2020-21ના વર્ષ માટે ભારતે સંરક્ષણ માટે 65.86 અબજ ડોલરની ફાળવણી કરી છે, જે આપણા જીડીપીના બે ટકા જેટલી છે, જ્યારે હેલ્થકેર ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં થયેલો ખર્ચ એક ટકા કરતાં સ્હેજ વધુ છે. કોવિડ-19 બાદ ભારત હેલ્થકેરના બજેટ અને સુવિધાઓની પ્રાથમિકતાઓ નક્કી કરવા તરફ નજર દોડાવી રહ્યું છે.
ટેલિમેડિસિનની મુખ્ય પ્રવાહમાં સામેલગીરી એ કોરોનાવાઇરસ બિમારીના ઉદ્ભવ બાદની દુનિયામાં કાળજી અને પરિણામોની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના હેલ્થકેર પૂરી પાડવા માટે હોસ્પિટલોએ કરેલો સૌથી પરિવર્તનકારી ફેરફાર છે. જોડાણ સહિતના ઘણા પડકારો હોવા છતાં ટેલિમેડિસિન દ્વારા પૂરી પાડવામાં આવતી પહોંચ અને સહાય ઘણી વ્યાપક છે.
ડિજિટલ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફના દ્રષ્ટાંતરૂપ પ્રયાણમાં, ઇન-હાઉસ સોલ્યુશન્સ વિકસાવવાં કે પ્રમાણિત ટ્રેક રેકોર્ડ સાથેના પ્રિ-બિલ્ટ માર્કેટ સોલ્યુશનની ખરીદી કરવી, તે વચ્ચે પસંદગી કરવી જરૂરી છે.
ખેતી
લાખો શ્રમિકો તેમનાં વતનનાં ગામોમાં પરત ફર્યા છે અને અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી પડી છે, તેને કારણે શ્રમિકો માટેની શહેરી રોજગારીમાં ઘટાડો થશે. રાજ્યોને આવા શ્રમિકો માટે વ્યવહારૂ રીતે શક્ય હોય તેવી રોજગારીનું સર્જન કરવાની તક સાંપડી છે. તેનાથી ખેતી ક્ષેત્રને સૌથી વધુ લાભ મળી શકે છે, પરંતુ તે માટે ભારતે ખેતી પ્રત્યેના તેના અભિગમની નવેસરથી સંકલ્પના કરવી પડશે. ખેતીકીય માર્કેટિંગ ક્ષેત્રે સુધારણાઓ પણ હાથ ધરાય તેવી અપેક્ષા સેવાઇ રહી છે.
આધુનિક ટેકનોલોજી તથા નવાં ઉત્પાદનો માટે ફૂડ પ્રોસેસિંગની તકનીકનો ઉપયોગ કરીને ખેતીની આવક વધારી શકાય છે. દેશની આર્થિક રીતે સક્રિય તમામ મહિલાઓમાંથી 80 ટકા મહિલાઓ કૃષિ ક્ષેત્રે સંકળાયેલી છે. e-NAM એપ પર ખેડૂતો અંતરિયાળ વિસ્તારોમાં રહીને પણ તેમની ઊપજ માટેનો સોદો કરી શકે છે. આ માટે તેઓ તેમની ઊપજના સેમ્પલની તસવીરો અપલોડ કરીને ત્યાર બાદ આખી ઊપજ ભરેલી ટ્રક બજારોમાં લઇ જવાને બદલે આ સેમ્પલની ગુણવત્તાની દૂર રહેલા એસેયર્સ (પારખુઓ) પાસે ચકાસણી કરાવી શકે છે. e-NAM પ્લેટફોર્મ હવે કુલ 785 બજારો ઓનલાઇન ધરાવે છે.
કાર્યબળ
અસંગઠિત ક્ષેત્ર
ભારતના અસંગઠિત ક્ષેત્રમાં 80 ટકા કરતાં વધુ કાર્યબળનો સમાવેશ થાય છે. લાખો કામદારો નોકરીની સલામતી, મજૂર કાયદા, પેન્શન અને હેલ્થ ઇન્શ્યોરન્સ વિના પરિશ્રમ કરી રહ્યા છે તે કડવું સત્ય છે. સરકારે દેશના અસંગઠિત કામદારોને એક સંગઠિત છત્ર હેઠળ લાવવાની દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે.
સંગઠિત ક્ષેત્ર
નેશનલ સેમ્પલ સર્વે એન્ડ પિરીયોડિક લેબર ફોર્સ સર્વેએ સૂચવ્યા પ્રમાણે 136 મિલિયન બિન-ખેતીકીય નોકરી ધરાવતા સંગઠિત ક્ષેત્ર ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. દેશની જુદી-જુદી ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપનીઓમાં કામ કરતા 1.5 લાખ કરતાં વધુ કર્મચારીઓ આગામી મહિનાઓમાં તેમની નોકરીઓ ગુમાવે તેવી શક્યતા છે. ઉદ્યોગની 75 ટકા કરતાં વધુ આવક ઉત્તર અમેરિકા અને યૂરોપ જેવાં વિશાળ બજારોમાંથી આવે છે. આ બંને બજારોમાં કોરોનાવાઇરસના પ્રસારને કારણે ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ પર વિપરિત અસરો સર્જાશે, તેમ રેટિંગ એજન્સી CAREએ 14મી એપ્રિલની એક નોંધમાં જણાવ્યું હતું.
જોકે, નિષ્ણાતો જણાવે છે કે, નોકરી ગુમાવનારા કર્મચારીઓ ઉમેરારૂપ કૌશલ્યો શીખવા માટે તત્પર રહે, તે જરૂરી છે. કૌશલ્યો વધારવા માટેની આ તક છે. આ સમયે ફ્રીલાન્સિંગ અને રિમોટ જોબ (ઓફિસે જવાની જરૂર ન હોય તેવી નોકરી) માટે તૈયાર રહો, કારણ કે તેમાં પણ તકો રહેલી છે.
સેવા ક્ષેત્ર
હોટેલ તથા રેસ્ટોરન્ટ્સ
ભારતીય રેસ્ટોરન્ટ ઉદ્યોગનું કદ રૂ. 75,000 કરોડનું છે અને આ ઉદ્યોગ વાર્ષિક સાત ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યો છે. ભારતીય ફૂડ સર્વિસ માર્કેટના અહેવાલ અનુસાર 2016ના વર્ષમાં ભારતના રેસ્ટોરન્ટ બજારનું કદ રૂ. 3.09 લાખ કરોડનું હતું અને કરવેરા થકી તે આશરે રૂ. 22,400 કરોડનું યોગદાન આપશે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, 2016ના વર્ષમાં દેશના ફૂડ માર્કેટે 5.8 મિલિયનથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડી હતી.
માર્ગો પરની ખાણી-પીણી
કોવિડ-19 બાદ માર્ગો પરની ઇટરીઝ (ખાણી-પીણી) તથા ઢાબાએ અનિવાર્ય ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. અગાઉના સેવામાં લાપરવાહીના વલણને સ્થાને હવે સ્વચ્છતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોના ચુસ્ત પાલનની તેમને ફરજ પાડવામાં આવી શકે છે. આ ઉપરાંત, કોઇ પ્રકારની ખામી કે ચૂક ન રહી જાય, તે સુનિશ્ચિત કરવા માટે આઉટલેટ્સ પર નિયમિત તપાસ હાથ ધરાઇ શકે છે. બાજુ-બાજુમાં ઊભેલી જોવા મળતી લારીઓ તથા ઇટરીઝને સ્થાને હવે તેમણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન કરવા માટે એક-મેકથી અંતર જાળવવું પડે તે બની શકે છે.
પ્રવાસન
WTTCના જણાવ્યા પ્રમાણે, 2018માં જીડીપીમાં ટ્રાવેલ અને ટુરિઝમના કુલ યોગદાનની દ્રષ્ટિએ 185 દેશોમાં ભારત ત્રીજા સ્થાને હતું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કમ્પિટિટિવનેસ રિપોર્ટ, 2019માં ભારતનું સ્થાન 34મું હતું. 2019ના વર્ષ દરમિયાન ભારતમાં ફોરેન ટુરિસ્ટ અરાઇવલ્સ (એફટીએ – વિદેશી પ્રવાસીઓની સંખ્યા) 10.89 મિલિયન હતું અને વાર્ષિક વૃદ્ધિ દર 3.2 ટકા હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2020 દરમિયાન, 21,33,782 વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. 2019 સુધીમાં ભારતમાં પ્રવાસન ક્ષેત્રમાં 4.2 કરોડ નોકરીની તકો સર્જાઇ હતી, દેશમાં કુલ રોજગારીના પ્રમાણમાં આ પ્રમાણ 8.1 ટકા હતું.
વડાપ્રધાને કોરોના બાદના પ્રવાસન ક્ષેત્ર ઉપર પણ ભાર મૂક્યો હતો, જેમાં સ્થાનિક પ્રવાસન અર્થતંત્રમાં પ્રાણ ફૂંકી શકે છે. આ પાછળનો વિચાર ભારતમાં પ્રવાસીઓને આકર્ષવાનો છે.
જોકે, કોવિડ બાદ ભારત લોકો માટે સલામત પ્રવાસ સુનિશ્ચિત કરવાની યુરોપિયન કમિશનની ‘ટ્રાવેલ બબલ’ની વિભાવના તરફ નજર દોડાવી શકે છે. ભારતે પ્રવાસને સલામત રીતે શરૂ કરવા માટે તથા પ્રવાસન ઉદ્યોગ જેમની કરોડરજ્જૂ હોય તેવાં રાજ્યોની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે પ્રવાસન પ્રવૃત્તિઓના સુરક્ષિત પુનઃસ્થાપન પર ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત અન્ય જે માપદંડો સંતોષાવા જરૂરી છે, તેમાં પ્રવાસીઓ બિમાર થાય, તે સ્થિતિને પહોંચી વળવા પૂરતી આરોગ્ય ક્ષમતા, ટેસ્ટિંગ, દેખરેખ તથા કોન્ટેક્ટ ટ્રેસિંગનો સમાવેશ થાય છે.