ઉત્તરપ્રદેશ: ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાંથી માનવતાને શરમાવી દે તેવો મામલો સામે આવ્યો છે. મમતા નામની મહિલાને દિલ્હી એનસીઆરની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ ન કરાતા અંતે મહિલાનું મોત નીપજ્યું હતું.
મહિલાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, મહિલા બીમાર પડ્યા બાદ તેને દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને એડમિટ કરવાની ના પાડવામાં આવી હતી.
મહિલાને નોઈડા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં એડમિટ કરવાનો ઇન્કાર કર્યો હતો અને ત્યારબાદ ગાઝિયાબાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાંથી મહિલાને મેરઠની હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું. પરંતુ મહિલાનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
આ અગાઉ પણ ખોડા વિસ્તારની સગર્ભા મહિલાનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું. જે પછી નોઈડામાં આરોગ્ય સેવાઓ અંગે એક સવાલ ઉભો થયો હતો. કોરોનાના ડરથી મહિલાને દાખલ કરવામાં આવી ન હતી. મમતા નામની મહિલાને પણ કોરોનાના ડરથી એડમિટ નથી કરવામાં આવી.
ખોડાના ચેર પર્સન રીના ભાટીએ કહ્યું કે, તેણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે એમ્બ્યુલન્સની વ્યવ્સ્થા કરી હતી. પરંતુ કોઈ પણ હોસ્પિટલમાં તેને દાખલ ન કરવામાં આવી અને મહિલાનું મોત નીપજ્યું હતું.
રીના ભાટીએ કહ્યું છે કે, કોરોનાના ડરથી મહિલાને દાખલ કરવામાં આવી ન હતી, જે શરમજનક છે. જોકે, ગાઝિયાબાદ, દિલ્હી અથવા નોઈડા આરોગ્ય વિભાગ તરફથી આ અંગે કોઈ નિવેદન નથી.