નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં 53 વર્ષ બાદ ઈતિહાસનું ફરી એક વખત પૂનરાવર્તન થયું છે. 53 વર્ષ અગાઉ 1967માં રાજમાતા વિજયરાજે સિંધિયાના કારણે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવાય હતી અને હવે તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાના કારણે કમલનાથ સરકાર સત્તાથી દૂર થઇ રહીં છે અને કમલ(ભાજપ)ની સરકાર સત્તાની નજીક આવી રહીં છે.
ઉલ્લેખનીય છે કે, 1967ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળી હતી અને ડી.પી.મિશ્ર મુખ્યપ્રધાન બન્યા હતા, પરંતુ કોંગ્રેસમાં ઉપેક્ષા અનુભવીને રાજમાતા પ્રત્યે કોંગ્રેસના 36 ધારાસભ્યોએ પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને વિપક્ષ સાથે જોડાયા હતા. ત્યારબાદ ડી.પી.મિશ્રને રાજીનામું આપવું પડ્યું હતું.
વિજયરાજે સ્વતંત્રતા પાર્ટીની ટિકિટ પર ગુના લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ જનસંઘમાં જોડાયા અને તેમણે લોકસભામાંથી રાજીનામું આપી રાજ્યના રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમણે 1967માં જ જનસંધની ટિકિટ પર મધ્ય પ્રદેશની કરેરા વિધાનસભા બેઠક જીતી હતી.
એક વખત ફરી તે જ વાર્તાનું પૂવરાવર્તન થયું છે. જ્યોતિરાદિત્યની તરફેણમાં અંદાજીત 22 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. રાજીનામાનો સ્વીકાર થતાની સાથે જ કલમનાથની સરકાર બહુમત સાબિત નહીં કરી શકે. એવામાં ભાજપ કમલનાથ સરકાર વિરૂધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે અને કમલનાથ સરકાર સત્તા ગુમાવશે.
ગ્વાલિયરમાં 1967માં એક વિદ્યાર્થી આંદોલન થયું હતું. આ આંદોલનને લઇને રાજમાતાની તે સમયના મુખ્યપ્રધાન ડી.પી.મિશ્ર સાથે નોકઝોક થઇ હતી. ત્યારબાદ તેમણે કોંગ્રેસ છોડી દીધું હતું.
કોંગ્રેસમાંથી રાજમાતા અલગ થયાની સાથે જ 36 ધારાસભ્યોના સમર્થન વાળા સતનાના ગોવિંદનારાયણ સિંહને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ છોડ્યા બાદ રાજમાતા જનસંઘ સાથે જોડાયા અને ત્યારબાદ ભાજપના સંસ્થાપક સભ્ય બન્યાં હતાં. રાજમાતાને ભાજપના ઉપ-અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતા.
સિંધિયા પરિવારની ત્રીજી પેઢીએ કોંગ્રેસનો હાથ છોડ્યો
કોંગ્રેસનો સાથ છોડનારી આ સિંધિયા પરિવારની ત્રીજી પેઢી છે. વિજયરાજેના પુત્ર અને જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાએ પણ 1993માં કોંગ્રેસનો સાથ છોડ્યો હતો, જેમનું 2001માં એક ખાનગી વિમાન અકસ્માતમાં માત્ર 56 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું.
મધ્ય પ્રદેશમાં ત્યારે દિગ્વિજય સિંહની સરકર હતી અને માધવરાજે પાર્ટીમાં ઉપેક્ષા અનુભવી કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. તેમણે પોતાની અલગ પાર્ટી મધ્ય પ્રદેશ વિકાસ કોંગ્રેસની રચના કરી હતી. જો કે, ત્યારબાદ તેઓ ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા હતા.
રસપ્રદ વાત તો એ છે કે, દિવંગત માઘવરાવની આજે 75મી જન્મ જયંતિ છે, ત્યારે તેમના દિકરાએ કોંગ્રેસનો 'હાથ' છોડી ભાજપનો ભગવા રંગમાં રંગાવાનો નિર્ણય લીધો છે.