નવી દિલ્હી : પટિયાલા હાઉસ કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના શંકાસ્પદ આતંકવાદી સૈયદ નાવેદ મુસ્તાકને 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મુસ્તાકને એડિશનલ સેશન્સ જજ ગુરવિંદર પાલ સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે 3 એપ્રિલ સુધીમાં પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો.
જમ્મુ-કાશ્મીરના ડીએસપી દેવિંદર સિંહની ધરપકડ કરવાના મામલે મુસ્તાકની ધરપકડ કરવામાં આવી છે. ગત જાન્યુઆરીમાં દેવીન્દર સિંહની 2 હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. દેવીંદર સિંહને જમ્મુ કાશ્મીરની હીરા નગર જેલથી દિલ્હી પૂછપરછ કરવા લાવવામાં આવ્યો હતો.
10 દિવસની કસ્ટડી માગી હતી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુસ્તાકની દસ દિવસ કસ્ટડીની માગ કરી હતી. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે મુસ્તાક અને તેના સાથીઓ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલા કરવાની યોજનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. સ્પેશિયલ સેલના કહેવા મુજબ મુસ્તાક ઇન્ટરનેટ દ્વારા સહ આરોપી અને આતંકવાદીઓ સાથે વાત કરતો હતો. તે ડાર્ક વેબનો ઉપયોગ વાતચીત માટે કરતો હતો.
ડી કંપની અને છોટા શકીલનું નામ
સ્પેશિયલ સેલે કોર્ટને જણાવ્યું હતું કે મુસ્તાકને દેવિંદર સિંહની આમને સામને બેસાડીને પૂછપરછ કરવાની જરૂર છે. જેથી કોઈ મોટું ષડયંત્રની જાણ થઇ શકે. પુછપરછમાં નાણાકીય લેવડ દેવડ અંગેની પણ તપાસ કરવાની છે. દિલ્હી પોલીસે નોંધાવેલી એફઆઈઆર મુજબ જમ્મુ કાશ્મીર અને પંજાબના યુવાનોને આતંકવાદી ડી કંપની અને છોટા શકીલની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા તાલીમ આપવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલને ઇનપુટ મળ્યું હતું કે ડી કંપની પંજાબના ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ફંડ પૂરું પાડે છે.