નવી દિલ્હી: ભારતને વિશ્વની દેવભૂમિ કહેવામાં આવે છે. અહીં અનેકો મંદિર આવેલા છે. જેની પોત-પોતાની આગવી પરંપરા, રીત-રિવાજો છે. ભારતમાં આવા જ અનેક મંદિરોમાનું એક છે સબરીમાલા મંદિર. સબરીમાલા ભારતના ખ્યાતનામ મંદિરોમાંનું એક છે. આ મંદિરનું મહત્વ ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં છે. આ મંદિરમાં ભગવાન અયપ્પાની પૂજા થાય છે.
મંદિર સાથે જોડાયેલા અમુક ઐતિહાસિક તથ્યો
18 પવિત્ર સીડીઓ ચડવાની પ્રક્રિયા
મંદિરમાં તીર્થયાત્રીઓને ચડવા માટે 18 પવિત્ર સીડીઓ ચડવાની હોય છે. આ 18 સીડીઓ ચડવાની પ્રક્રિયા એ છે કે, કોઈ પણ તીર્થયાત્રી 41 દિવસનું વ્રત રાખ્યા વગર આ સીડી ચડી શકતા નથી.
ચંદનનો લેપ લગાવે છે તીર્થયાત્રીઓ
શ્રદ્ધાળુઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરતા પહેલા અન્ય માન્યતાઓને પણ માનવી પડે છે. આ મંદિરમાં પ્રવેશ કરવા માટે યાત્રીઓને ખાસ કરીને કાળા અથવા તો વાદળી રંગના કપડા પહેરવા પડે છે. યાત્રા દરમિયાન માથા પર ચંદનનો લેપ લગાવેલા યાત્રીઓને દાઢી અથવા તો વાળ કપાવવાની પણ મંજૂરી નથી મળતી.
ક્યા આવેલું છે સબરીમાલા મંદિર
ભારતના દક્ષિણ રાજ્ય કેરલની રાજધાની તિરુવનંતપુરમથી 175 કિમી દૂર પંપા સ્થિત આવેલું છે. તેનાથી ચાર-પાંચ કિમી દૂર પશ્ચિમ ઘાટથી સહ્યાદ્રી પર્વતમાળાના ગાઢ જંગલો વચ્ચે સમુદ્ર તટથી લગભગ એક હજાર મીટર ઉંચાઈ પર સબરીમાલા મંદિર આવેલું છે.
સબરીમાલાનો અર્થ થાય છે 'પર્વત'
સબરીમાલા મલયાલમ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે પર્વત. આ મંદિર સહ્યાદ્રી પર્વતમાળાના ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. જ્યાં લગભગ પાંચ કિમી સુધી પગપાળા યાત્રા કરવી પડે છે.
વર્ષમાં ત્રણ વખત કરી શકો છો દર્શન
શ્રદ્ધાળું અહીં વર્ષમાં ત્રણ વખત દર્શન કરી શકે છે. 41 દિવસ કઠોર વ્રત કર્યા બાદ 42માં દિવસને મંડલમ કહેવામાં આવે છે.
શું કહે છે વેદ પુરાણ
વેદ-પુરાણની વાત માનીએ તો અસુર કાંડમાં જે શિશું શાસ્તાનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન અયપ્પાને તે જ શાસ્તાનો અવતાર માનવામાં આવે છે. લોકોને એવી માન્યતા છે કે, પરશુરામે અયપ્પન પૂજા માટે સબરીમાલામાં મૂર્તી સ્થાપન કરી હતી. તો વળી અમુક લોકો તેને રામભક્ત શબરી સાથે તેને સરખાવીને પણ જોવે છે.
સદ્ભાવનું પ્રતિક છે સબરીમાલા
મુખ્ય વાત એ છે કે, આ મંદિર સમન્વય અને સદ્ભાવનું પ્રતિક માનવામાં આવે છે. તથા અહીં કોઈ ધર્મ અને જાતિના લોકો આવી શકે છે.
મંદિરમાં આટલા ભગવાન બિરાજમાન છે.
આ મંદિરમાં ભગવાન અયપ્પા ઉપરાંત માલિકાપુરત્ત અમ્મા, ગણેશ અને નાગરાજા જેવા ઉપ દેવતાઓની મૂર્તીઓ પણ આવેલી છે.
મંદિરમાં વહેચવામાં આવે છે ખાસ પ્રકારનો પ્રસાદ
અયપ્પનનો ઘીથી અભિષેક કર્યા બાદ મંદિરમાં ખાસ પ્રકારનો પ્રસાદ વહેંચવામાં આવે છે. જેને ચોખા, ગોળ અને ઘીથી બનાવવામાં આવે છે.
શું છે વિવાદ
હકીકતમાં જોઈએ તો, સબરીમાલા મંદિરને લઈ લગભગ 30 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. અહીના લોકોનું કહેવું છે કે, ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા. એટલા માટે મંદિરમાં રજસ્વલા મહિલાઓને પ્રવેશ આપી શકાય નહીં.
જો કે, આ વિવાદને લઈ સુપ્રીમ કોર્ટે 2018માં પોતાના ચુકાદો આપતા તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાની મંજૂરી આપી છે. પણ કોર્ટના આ ચુકાદાને પણ પડકાર આપવામાં આવ્યો છે, ત્યારબાદ પાંચ જજની બેંચ આ કેસમાં ફરી વાર ચુકાદો આપવા જઈ રહી છે.