નવી દિલ્હી: ગુરુવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રધાનોની ઉચ્ચ-સ્તરની બેઠક મળશે. આ બેઠકમાં કોરોના વાઇરસને લડત આપવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. દેશમાં કોવિડ -19 ચેપના કેસ પાંચ હજારને પાર થઈ ગયાં છે, ત્યારે 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. હવે આ લોકડાઉન પણ આગળ વધારવાની વાત થઈ રહી છે.
દેશના ઘણા વિસ્તારોમાં વાઇરસના કેસ વધી રહ્યાં છે. વધતા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી બુધવારે ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હીમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંતર્ગત ઉત્તર પ્રદેશ સરકારે 14 એપ્રિલ સુધીમાં 15 જિલ્લા સીલ કરી દીધા છે અને દિલ્હી સરકારે વધુ આદેશો માટે 21 હોટસ્પોટ સીલ કરી દીધા છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશ ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનના ત્રણ જિલ્લાની સીમા પણ સીલ કરી દેવામાં આવી છે. આ પહેલા મંગળવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠક કોરોના વાયરસના મુદ્દે થઈ હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની, કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાન ઉપસ્થિત રહ્યાં હતાં.