મુંબઈઃ નવી દિલ્હી અને મહારાષ્ટ્રમાં પોલીસ અધિકારીઓમાં કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં લોકડાઉનનો કડક પાલન થાય તેથી બને તેટલા પ્રયાસો મહારાષ્ટ્ર પોલીસ કરી રહી છે. જોકે તેનાથી પોલિસમાં કોરોનાનો કહેર પણ ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 87 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.રાજ્યમાં કોરોના વાઇરસથી સંક્રમિત પોલીસ કર્મચારીઓની સંખ્યા વધીને 1,758 થઈ ગઈ છે, જેમાંથી 183 પોલીસ અધિકારી છે જ્યારે 1575 પોલીસ છે. ઉપંરાત 18 પોલીસકર્મીના કોરોના કારણે મૃત્યુ થયા છે. જેમાં 17 પોલીસકર્મી અને એક અધિકારીનો સમાવેશ થાય છે. જો કે, કોરોનામાંથી અત્યાર સુધીમાં 673 પોલીસકર્મીઓ સ્વસ્થ્ય થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં, કોરોના સામેની લડતમાં ફ્રન્ટલાઈન લડવૈયાઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યો છે તેથી મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. અહીં કોવિડ -19 ચેપગ્રસ્તની સંખ્યા 47 હજાર પર પહોંચી ગઈ છે. તાજેતરના અપડેટ મુજબ, મહારાષ્ટ્રમાં કોરોના ચેપના 47190 કેસોની પુષ્ટિ થઈ છે.દેશમાં અહીં સૌથી વધુ કોરોના વાઇરસથી થતાં મૃત્યુ પણ થયા છે, અત્યાર સુધીમાં 1577 કોરોના દર્દીઓની મૃત્યુ થઇ છે અને 13404 દર્દીઓને તંદુરસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં, છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 2608 નવા કેસ નોંધાયા છે, જ્યારે 60 લોકોનાં મોત નીપજ્યાં છે અને 821 લોકોને તંદુરસ્ત થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 1566 નવા કેસ નોંધાયા છે અને 40 ચેપગ્રસ્ત લોકોના મોત નોંધાયા છે. મહાનગર પાલિકા ગ્રેટર મુંબઈના જણાવ્યા મુજબ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા હવે વધીને 28,634 થઈ ગઈ છે.